મુંબઈ કોસ્ટલ રોડ પર સાઉન્ડ બેરિયર્સ બેસાડો : ટ્રાફિક પોલીસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બ્રીચ કેન્ડી, નેપિયન્સી રોડ સહિતના સ્થાનિક રહેવાસીઓની વિનંતીને પગલે મુંબઈ ટ્રાફિક પોલીસે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ ઓથોરિટીને કોસ્ટલ રોડ પર સાઉન્ડ બેરિયર્સ બેસાડવાની માગણી કરતો પત્ર લખ્યો છે. સાઉન્ડ બેરિયર્સને કારણે રાતના સ્પીડથી વાહનો દોડવાને કારણે થતા અવાજથી સ્થાનિકોને આંશિક રાહત મળી શકશે. સ્થાનિકોની માગણી વચ્ચે મુંબઈ ટ્રાફિક પોલીસે કોસ્ટલ રોડ પર સ્પીડ લિમિટથી વધુ ગતિએ વાહન ચલાવવા બદ ૩,૨૬૦ વ્યક્તિઓ સામે પગલાં લીધાં છે. આ દરમ્યાન સોશ્યલ એક્ટિવિસ્ટે સાઉન્ડ બેરિયર્સ બેસાડવા કરતા કોસ્ટલ રોડ વધુ માત્રામાં વૃક્ષોનું વાવેતર કરવાની માગણી કરી છે.
Also read : એકનાથ શિંદે ભૂતકાળમાં કોંગ્રેસમાં જોડાવા માગતા હતા: સંજય રાઉત
કોસ્ટલ રોડના ખુલ્લા વિસ્તારમાં વાહન માટે સ્પીડ લિમિટ પ્રતિકલાકની ૮૦ કિલોમીટરની રાખવામાં આવી છે, તો ટનલની અંદર તે ૬૦ કિલોમીટર પ્રતિકલાકની રાખવામાં આવી છે. છતાં કોસ્ટલ રોડ પર રાતના સમયે લોકો બેફામ સ્પીડે વાહનો ચલાવતા હોય છે. તેથી બ્રીચ કેન્ડી, નેપિયન્સી રોડ અને વરલીના સ્થાનિક રહેવાસીઓ કોસ્ટલ રોડ પર વાહનોની સ્પીડને લઈને અનેક વખત પાલિકા સહિત ટ્રાફિક પોલીસને ફરિયાદ કરી ચૂકયા છે.
તારદેવના ટ્રાફિક વિભાગના પોલીસ અધિકારીએ મુંબઈ કોસ્ટલ રોડના ચીફ એન્જિનિયરને પત્ર લખીને જણાવ્યું હતું કે રાતના કોસ્ટલ રોડ પર રેસિંગ કારને કારણે નજીકના રહેણાંક વિસ્તારના રહેવાસીઓને થતા અવાજને કારણે ખલેલ થતી હોવાની ફરિયાદ મળી છે. કોસ્ટલ રોડ પર સ્પીડે ચલાવનારા અત્યાર સુધી ૩,૨૬૦ વાહનો સામે પગલાં લેવામાં આવ્યાં છે.
કોસ્ટલ રોડને અડીને રહેણાંક વિસ્તારની સાથે જ હૉસ્પિટલ પણ આવેલી છે. રાતના સમયે લોકો સ્પીડે વાહન ચલાવતા હોય છે. તેથી અહીં કોસ્ટલ રોડ પર સાઉન્ડ બેરિયર્સ બેસાડવા આવશ્યક થઈ ગયા છે. તેથી પાલિકા આ બાબતે ઘટતી કાર્યવાહી કરે.
પાલિકાના ઉચ્ચ અધિકારીએ આ બાબતે જણાવ્યું હતું કે આ બાબતે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ બાબતે બેઠકો ચાલી રહી છે ત્યારબાદ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. મરીન ડ્રાઈવથી બાન્દ્રા-વરલી સી લિંક સુધીના કોસ્ટલ રોડ પરના વાહનવ્યવહાર પર તેમ જ વાહનો પર નજર રાખવા માટે પાલિકાએ ટનલની અંદર ૧૫૪ કેમેરા બેસાડયા છે. તેમ જ આ રૂટ પર ૨૮ સ્પીડ ડીટેક્શન કેમેરા બેસાડવા માટે આઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તેમ જ વાહનોની સુરક્ષા માટે કોસ્ટલ રોડ પર ત્રણ સ્થળોને ઓળખી કાઢવામાં આવ્યા છે જ્યા ટ્રાફિક ચોકીઓ અને પોલીસ સ્ટેશન ઊભા કરાશે.
Also read : ઈસ્ટર્ન અને વેેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ‘સ્વચ્છતા ઝુંબેશ’
આ દરમ્યાન સોશ્યલ એક્ટિવિસ્ટ ઝોરુ ભાઠેનાએ સાઉન્ડ બેરિયર્સ બેસાડવા કરતા અહીં વધુમાં વધુ વૃક્ષોની રોપણી કરવાની માગણી કરી હતી અને કહ્યું હતું કે ઝાડ અવાજને પણ રોકી શકશે તેમ જ ગરમી અને ધૂળને પણ રોકી શકશે. તેથી કોસ્ટલ રોડ વધુમાં વધુ વૃક્ષોના રોપણી પર ધ્યાન આપવું જોઈએ.