કોસ્ટલ રોડ માટે જમીનની ટેસ્ટિંગ: ચારકોપના રહેવાસીઓમાં ડરનો માહોલ…

મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ-ઉત્તર તરીકે જાણીતા વર્સોવા-ભાયંદર લિંક રોડ પ્રોજેક્ટ માટે મુંબઈ પાલિકાએ નિમણૂક કરેલા કોન્ટ્રેક્ટરે પાઇલ ફાઉન્ડેશન માટે જમીનની ચકાસણી કરવા સામગ્રીઓ લાવીને રાખતા ચારકોપ સેક્ટર-આઠના રહેવાસીઓમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.
પ્રસ્તાવિત કોસ્ટલ રોડ કનેક્ટર માટે જમીનની મજબૂતી ચકાસવા માટે કરવામાં આવનારી આ ટેસ્ટ ત્યાં થવાની છે જ્યાં પહેલાથી ઇન્ટરચેન્જ માટે વિવાદ ચાલી રહ્યો છે. ગયા અઠવાડિયે આ વિવાદને કારણે સ્થાનિક વિધાનસભ્ય સંજય ઉપાધ્યાય, પાલિકાના અધિકારીઓ અને ઇન્ટરચેન્જનો વિરોધ કરી રહેલા રહેવાસીઓ વચ્ચે બેઠક પણ યોજાઇ હતી.
પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે વન વિભાગ અને હાઇ કોર્ટ તરફથી જરૂરી નો-ઓબ્ઝેકશન સર્ટિફિકેટ (એનઓસી) મળ્યા વગર બાંધકામની શરૂઆત કરવામાં આવશે નહીં.
ગ્રાઉન્ડ ટેસ્ટિંગને કારણે જાણવા મળશે કે એલિવેટેડ કનેક્ટરનું વજન અથવા સંબંધિત માળખાનું વજન તે જમીન ખમી શકશે કે નહીં. ગ્રાઉન્ડ લેવલ પર ટેસ્ટિંગ કરવામાં આવશે અને તે બે અઠવાડિયામાં પૂર્ણ થઇ જશે. આ ટેસ્ટ ચારકોપ સેક્ટર-૮ના રોડ ખાતે કરવામાં આવશે, નહીં કે તેના અંદરના વિસ્તારોમાં, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સ્થાનિક રહેવાસીઓ આ પ્રોજેક્ટથી નારાજ છે અને તેમનું કહેવું છે કે આ કોસ્ટલ રોડ કનેક્ટરને કારણે સ્થાનિક વિસ્તારની શાંતિ હંમેશા માટે નાશ પામશે. એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટને કારણે મેન્ગ્રોવ્ઝનો પણ ભોગ લેવાવાનો છે જેને કારણે સેક્ટર-૮ના લોકોને હંમેશા અમને પૂરની સ્થિતિમાંથી બચાવે છે.
મુંબઈમાં જોરદાર વરસાદ પડે ત્યારે પણ અમારા વિસ્તારમાં ક્યારેય પૂર જેવી સ્થિતિ નિર્માણ થઇ નથી. આ પ્રોજેક્ટને કારણે વિસ્તારમાં પૂર આવવાનો ભય રહેશે. કોસ્ટલ રોડ કનેક્ટર-ઉત્તર માટે કુલ ૯૦૦૦ મેન્ગ્રોવ્ઝનો ભોગ લેવાવાનો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.