આમચી મુંબઈ

કોસ્ટલ રોડનો વરલી તરફનો હાજી અલી ઈન્ટરચેન્જ ખુલ્લો મુકાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડનો વરલી તરફનો હાજી અલી ઈન્ટરચેન્જનો છઠ્ઠો રોડ (આર્મ)ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેનાથી હાજી અલી જંકશનથી મુંબઈ કોસ્ટલ રોડ સાથે બાન્દ્રા-વરલી સીલ લિંક સુધીનો ટ્રાફિક વધુ ઝડપી બનશે. આ સાથે જ ઈન્ટરચેન્જના આઠ એન્ટ્રી-એક્ઝિટ આર્મમાંથી હવે છ આર્મ ચાલુ થઈ ગયા છે. બાકીના બે આર્મ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધી ખુલ્લા મૂકવાની શક્યતા છે.

મરીન ડ્રાઈવમાં પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી બાન્દ્રા-વરલી લિંકના વરલી છેડા સુધી ૧૦.૫૮ કિલોમીટરનો કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પૂરો થવાની તૈયારીમાં છે. લગભગ ૯૫ ટકા કામ પૂરું થઈ ગયું છે. કોસ્ટલ રોડમાં હાજી અલી, પેડર રોડ (અમરસન્સ ગાર્ડન) અને વરલી સી ફેસ સહિતના સ્થળોએ ઈન્ટરચેન્જની સુવિધા ઉપલબ્ધ કરી આપી છે. જયારે પેડર રોડ ઈન્ટરચેન્જમાં ચાર એન્ટ્રી અને એક્ઝિટ આર્મ હશે. હાજી અલી ઈન્ટરચેન્જમાં આઠ અને વરલી ઈન્ટરચેન્જમાં છ આર્મ હશે. મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાકાંક્ષી કોસ્ટલ રોડ ફેબ્રુઆરી, ૨૦૨૫માં સંપૂર્ણ રીતે ચાલુ થઈ જવાની શક્યતા છે. એ સાથે જ દક્ષિણ મુંબઈ અને પશ્ર્ચિમી ઉપનગર વચ્ચેની ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળવાની છે.

આ દરમિયાન સુધરાઈ કોસ્ટલ રોડનો બીજો તબક્કાનો રોડ જે વરલી સી લિંકને જોડે છે, તેને ૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી ખુલ્લો મૂકવાની યોજના ધરાવે છે. કોસ્ટલ રોડ અને વરલી સી લિંકને જોડનારા બ્રિજના ગર્ડરને લોન્ચ કરવાનું કામ પૂરું થઈ ગયું છે. હાલ ક્રેશ બેરિયર્સ, ઈલેક્ટ્રિક થાંભલાને બેસાડવાનું તેમ જ ડામરના રોડને બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ કામ પણ ઝડપથી પૂરું કરવામાં આવશે એવું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.


Also read: કોસ્ટલ રોડ પાલઘર સુધી: એકનાથ શિંદે


પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પાલિકાએ ટાટા પાવરને પાંચ હેકટરના રોડ ડિવાઈડરના બ્યુટિફિકેશન અને ૧૫ વર્ષ માટે જાળવણીની જવાબદારી સોંપી છે. પાંચ હેકટરની જગ્યામાં કોર્પોરેટ કંપની ડેવલપ કરવાની સાથે તેની જાળવણીનું કામ કરશે. પાલિકાની પોલિસી મુજબ તેઓ પાલિકાનો લોકો અને બીજી બાજુ તેમના બોર્ડ લગાવી શકશે.
કોસ્ટલ રોડ પ્રોજેક્ટ ઓક્ટોબર, ૨૦૧૮માં ચાલુ થયો હતો, જેની કુલ કિંમત ૧૩,૯૮૩ કરોડ રૂપિયા છે.

આ દરમિયાન પાલિકાએ તાજેતરમાં કોસ્ટલ રોડ પ્રોજેક્ટના બીજા તબક્કાના કામ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટની નિમણૂક કરી છે, જે ૧૮.૪૭ કિલોમીટરને આવરી લેશે અને વર્સોવા અને દહિસરને જોડનારોમ મહત્ત્વનો રહેશે. જેમાં ગોરેગામ-મુલુંડ લિંક રોડ સાથેના રસ્તાને જોડતા ૪.૪૬ કિલોમીટરનો ક્નેકટર પણ હશે. વધુમાં દહિસરની ભાયંદરને જોડવા માટે ૫.૬ કિલોમીટરનો લાંબો ૪૫ મીટરનો પહોળો એલિવેટેડ સેકશન પણ બનાવવામાં આવવાનો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button