વર્સોવાથી દહિસર કોસ્ટલ રોડનું કામ ફાસ્ટ ટ્રેક પર
મુંબઈ: મરીન ડ્રાઇવથી વરલી કોસ્ટલ રોડનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે અને હવે વર્સોવાથી દહિસર સુધીના ૧૮.૪૭ કિલોમીટરના કોસ્ટલ રોડ માટે પાલિકાએ કોન્ટ્રેક્ટર પર નક્કી કર્યો છે. આ પ્રકલ્પને મરીન મેનેજમેન્ટ સેક્ટરની, કેન્દ્ર તથા રાજ્ય સરકારની પણ મંજૂરી મળી ગઇ છે. તેથી આ પ્રકલ્પનું કામ પૂરજોશમાં શરૂ થવાનું છે. આ માર્ગ માટે પાલિકા ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરનાર છે.
મુંબી શહેર અને પશ્ર્ચિમ પરાં વિસ્તારની ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે મરીન ડ્રાઇવથી કાંદિવલી સુધી ૩૫ કિલોમીટરનો કોસ્ટલ રોડ તૈયાર કરવામાં આવનાર છે જેમાંથી મરીન ડ્રાઇવથી વરલી સુધીનો ૧૦.૫૮ કિલોમીટરનો પ્રથમ તબક્કો પૂર્ણ થવાની આરે છે. બાન્દ્રાથી વર્સોવા પ્રકલ્પનું કામ એમએસઆરડીસી કરી રહ્યું છે જ્યારે વર્સોવાથી દહિસર સુધીનું કામ પાલિકા દ્વારા કરવામાં આવનાર છે. આ પ્રકલ્પ માટે પાલિકાએ ચાર કોન્ટ્રેક્ટરની પસંદગી કરી છે. કુલ છ પૅકેજમાં આ કામ કરવામાં આવશે તથા ૨૦૨૭ સુધી પ્રકલ્પ પૂર્ણ થવાની શક્યતા છે. મુંબઈના ટ્રાફિક માટે મહત્ત્વનો ઠરનારો વર્સોવા-દહિસર કોસ્ટલ રોડનું કામ નવા વર્ષથી શરૂ થશે અને આ માર્ગ ગોરેગામ-મુલુંડ લિંક રોડથી જોડાશે. તેનાથી પૂર્વ અને પશ્ર્ચિમ પરાંઓ વધુ નજીક આવશે.
આ પણ વાંચો : Fengal Effect?: મુંબઈમાં ઝરમર વરસાદ, રાજકીય ગરમાવા વચ્ચે પ્રસરી ગઇ ઠંડક
*પેકેજ-૧: વર્સોવાથી બાંગુર નગર ગોરેગામ ૪.૫ કિમી
- પેકેજ-૨: બાંગુર નગરથી માઇન્ડસ્પેસ, મલાડ ૧.૬૬ કિમી
- પેકેજ-૩ અને ૪: ઉત્તર અને દક્ષિણ તરફ જનારો સર્વિસ રોડ, મલાડ માઇન્ડસ્પેસથી ચોરકોપ કાંદિવલી ૩.૬૬ કિમી
- પેકેજ-૫: ચારકોપથી ગોરાઇ ૩.૭૮ કિમી
- પેકેજ-૬: ગોરાઇથી દહિસર ૩.૬૯ કિમી