આમચી મુંબઈ

સીએનજી લાઈનમાં ભંગાણ: જનજીવન ખોરવાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહાનગર ગેસ લિ. (એમજીએલ)ની સીએનજી ગેસ પાઈપલાઈનમાં રવિવારે પડેલા ભંગાણની ગંભીર અસરો સોમવારે આખા મુંબઈમાં જોવા મળી હતી. સીએનજી પર ચાલનારી ટેક્સી-ઓટો અને બસને ઈંધણ માટે લાંબો સમય ઈંતઝાર કરવો પડ્યો હતો અને જેને પરિણામે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અધુરામાં પૂરું રાંધણગેસનો પુરવઠો પણ સવારે 11 વાગ્યા બાદ અનેક વિસ્તારોમાં બંધ થઈ જતાં ગૃહિણીઓમાં હાહાકાર ફેલાઈ ગયો હતો. સોમવારે સવારથી જ મુંબઈના સીએનજી પંપો પર રિફ્યુઅલિંગ માટે લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે હજારો ઓટોરિક્ષા, ટેક્સી અને અન્ય સીએનજી સંચાલિત વાહનોને અસર થઈ હતી.

આપણ વાચો: ગેસ પાઈપલાઈનને નુકસાન બાદ સીએનજી સપ્લાયને ફટકો પડતા ઓટો, ટેકસી અને બસને અસર…

સ્થાનિક પેટ્રોલ ડીલર્સ સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ગેસના ઓછા દબાણને કારણે શહેરમાં સવારથી ઘણા સીએનજી પંપ બંધ રહ્યા હતા.

ઓલા અને ઉબેર જેવા એગ્રીગેટર્સ દ્વારા સંચાલિત ઓટોરિક્ષા અને ટેક્સીઓ અને શહેરમાં જાહેર પરિવહન ઉપક્રમો દ્વારા ચલાવવામાં આવતી કેટલીક બસો સહિત મોટી સંખ્યામાં ઓટોરિક્ષા અને ટેક્સીઓ મહાનગર ગેસ લિમિટેડ (એમજીએલ) દ્વારા પૂરા પાડવામાં આવતા કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) પર આધાર રાખે છે.

રવિવારે રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં, એમજીએલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ (આરસીએફ) કમ્પાઉન્ડની અંદર ગેઇલની મુખ્ય ગેસ સપ્લાય પાઇપલાઇનને તૃતીય-પક્ષ નુકસાનને કારણે આ વિક્ષેપ પડ્યો હતો, જે મુંબઈને ગેસ સપ્લાય માટે મુખ્ય પ્રવેશ બિંદુ છે, વડાલા ખાતે તેના સિટી ગેટ સ્ટેશન (સીજીએસ) ના પ્રવાહને અસર કરે છે.

આપણ વાચો: ગુજરાત ગેસ કંપનીએ સીએનજી ગેસમાં કિલોએ દોઢ રૂપિયો વધાર્યો: 6 મહિનામાં ચોથી વખત વધારો ઝીંક્યો

અસરગ્રસ્ત પુરવઠાને કારણે નેટવર્ક પર દબાણ ઓછું થયું, મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ઘણા સીએનજી સ્ટેશનો મર્યાદિત ક્ષમતાએ કાર્યરત હતા અથવા કામચલાઉ ધોરણે બંધ થઈ ગયા હતા, જેના પરિણામે લાંબી કતારો લાગી અને રિફ્યુઅલિંગ માટે રાહ જોવાનો સમય લંબાયો હતો.

આ અછતને કારણે દિવસ દરમિયાન પરિવહન ઉપલબ્ધતા પર અસર જોવા મળી હતી અને પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

એમજીએલે જણાવ્યું હતું કે તેણે ઘરોમાં અવિરત પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે રહેણાંક ગ્રાહકોને પુરવઠાને પ્રાથમિકતા આપી છે. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકોને પુન:સ્થાપન સુધી વૈકલ્પિક ઇંધણ પર સ્વિચ કરવાની સલાહ આપી હતી.

‘નુકસાન દૂર થયા પછી અને સીએનજી વડાલામાં પુરવઠો પુન:સ્થાપિત થયા પછી એમજીએલના નેટવર્કમાં ગેસ પુરવઠો સામાન્ય થઈ જશે,’ એમ પણ એમજીએલે જણાવ્યું હતું અને અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.
જોકે, કંપનીએ પુરવઠાની સંપૂર્ણ પુન:સ્થાપના માટે કોઈ સમયરેખા આપી નહોતી.

આપણ વાચો: વિશ્વાસ નહીં થાય! AMC રસોડાના કચરામાંથી CNG ગેસ બનાવશે, નોન-વેજ કચરો પણ બનશે પશુઓનો આહાર!

શું થયું હતું?

વડાલાના આરસીએફ વિસ્તારમાં આવેલી ગેસ પાઇપલાઇનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ ખામી સુધારવાનું કામ ચાલી રહ્યું હોવાથી, સીએનજી સપ્લાય ક્યારે પુન:સ્થાપિત થશે તે અંગે શંકા છે.

હાલમાં રસ્તા પર દોડતા રિક્ષા, ટેક્સી અને કેબ ડ્રાઇવરોના વાહનોમાં સીએનજી ખતમ થઈ ગયો છે. સીએનજીના અભાવે, રિક્ષા અને ટેક્સી રસ્તાની બાજુમાં પાર્ક કરવામાં આવે છે. ઉપરાંત, ઘણા ખાનગી વાહન માલિકોએ તેમના સીએનજી વાહનો ઘરોમાંથી બહાર કાઢ્યા નથી.

કેટલી અસર

મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં આનાથી લગભગ 133 સીએનજી પંપ પ્રભાવિત થયા છે. મુંબઈ, થાણે, નવી મુંબઈ વિસ્તારોમાં રિક્ષા અને ટેક્સી સીએનજી પર ચાલે છે. આ સાથે, કુલ બેસ્ટના કાફલામાં 45 ટકા બસો સીએનજી પર સંચાલિત છે.

બેસ્ટ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે બસસેવાને કોઈ અસર થઈ નહોતી, પરંતુ ગોરેગાંવ, ઘાટકોપર, ગોરાઈ, આણિક, પ્રતિક્ષા નગર, માગાઠાણે, દેવનાર, સેન્ટ્રલ ડેપો, પોઈસર ખાતે સીએનજી બેસ્ટની એપ ધરાવતા લોકોને જ સીએનજી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.

ટેક્સી અને રિક્ષા ચાલકો તરફથી ભાડાનું સંકટ

રિક્ષા અને ટેક્સી સેવાઓ 40 ટકા બંધ પડી ગઈ હોવાથી, આ વિનાશક સમયગાળામાં, શેરિંગ રિક્ષા અને ટેક્સી થોડા સમય માટે ચાલુ રહી હતી. ચાલી રહેલી રિક્ષા-ટેક્સીએ મનમાની કારભાર ચલાવ્યો હતો અને બમણાંથી ત્રણગણાં ભાડાં વસૂલવાનું ચાલુુ કરી દીધું હતું. સાંજ સુધીમાં, 80 ટકા રિક્ષા અને ટેક્સી સેવાઓ બંધ થઈ ગઈ હતી.

સીએનજીનો પુરવઠો શરૂ થયા પછી, સીએનજી પંપો પર લાંબી કતારો લાગશે. આના કારણે, મુંબઈમાં દરેક રિક્ષા અને ટેક્સીને સીએનજી મળવામાં ભારે વિલંબ થવાની સંભાવના હોવાથી આના પરિણામો મંગળવારે પણ જોવા મળશે એવું માનવામાં આવી રહ્યું છે.

રિક્ષા-ટેક્સીચાલકોને નુકસાન ભરપાઈ આપો: શંશાક રાવ

એમજીએલે રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોને નાણાકીય વળતર આપવું જોઈએ એમવી માગણી ઓટોરિક્ષા ડ્રાઈવરો-માલિકો એસોસિએશન સંયુક્ત કાર્યવાહી સમિતિના પ્રમુખ શશાંક રાવે સોમવારે કરી હતી.

બીજી તરફ મુંબઈમાં સીએનજી સપ્લાય બંધ થવાને કારણે સોમવાર સવારથી રિક્ષા અને ટેક્સી સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. હાલમાં, 40 ટકા રિક્ષા અને ટેક્સી સેવાઓ બંધ છે. જે રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરો પાસે સીએનજીનો સ્ટોક છે તેઓ સાંજ સુધી રસ્તાઓ પર દોડશે. તેમને નુકસાન ભરપાઈ મળવી જોઈએ એમ એ. એલ. ક્વાડ્રોસ, જનરલ સેક્રેટરી, મુંબઈ ટેક્સીમેન યુનિયને જણાવ્યું હતું.

મીરા રોડ, ભાયંદર સહિત સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં સીએનજી પર ચાલતી સ્કૂલ બસો અને વૅન પ્રભાવિત થઈ છે. સ્કૂલ વૅન સેવાઓ 70 થી 80 ટકા બંધ છે. જ્યારે, સ્કૂલ બસો 60 ટકા બંધ છે. જો સીએનજી સપ્લાય ઉપલબ્ધ નહીં થાય, તો મંગળવારે સ્કૂલ બસો અને વૅન સંપૂર્ણપણે બંધ રહેશે એમ સ્કૂલ બસ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ અનિલ ગર્ગે સોમવારે જણાવ્યું હતું.

પંપ પર ગેસનું દબાણ ઓછું છે

મુંબઈમાં એમજીએલની પોતાની સુવિધાઓ સહિત 130 થી 140 સીએનજી પંપ છે. પેટ્રોલ ડીલર્સ એસોસિએશન (મુંબઈ) ના પ્રમુખ ચેતન મોદીએ જણાવ્યું હતું કે ગેસ સપ્લાયના ઓછા દબાણને કારણે શહેરમાં ઘણા સીએનજી પંપ સવારથી બંધ છે.

તેમણે કહ્યું હતું કે જ્યારે તેમણે થોડા સમય પહેલા એમજીએલના અધિકારીઓ સાથે વાત કરી હતી, ત્યારે તેમને જાણ કરવામાં આવી હતી કે સામાન્ય સીએનજી સપ્લાય ફરી શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે અને આરસીએફ ખાતે ક્ષતિગ્રસ્ત પાઇપલાઇનને સંપૂર્ણ રીતે પુન:સ્થાપિત કરવામાં આખો દિવસ લાગી શકે છે. ‘મેં સવારથી મારો પોતાનો પંપ બંધ રાખ્યો છે કારણ કે (ગેસ સપ્લાય)માં દબાણ નથી,’ એમ પણ મોદીએ કહ્યું.

ગૃહિણીઓ મુશ્કેલીમાં

શનિવારે, મહાનગર ગેસે રહેણાંક સંકુલોને એક નોટિસ મોકલીને તેમને જાણ કરી હતી કે સોમવારે સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ગેસ પુરવઠો બંધ રહેશે. આમ આખો દિવસ ગેસનો પુરવઠો બંધ હોવાથી ગૃહિણીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button