મુંબઈ શહેર જિલ્લાની મતદારયાદીઓ પ્રસિદ્ધ, નામ તપાસી લેવું: ચૂંટણી અધિકારી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ શહેર જિલ્લામાં આવતા 10 વિધાનસભા મતદારસંઘની ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અને મતદાતાઓએ આ યાદીની ચકાસણી કરીને તેમના વાંધા-વિરોધ નવ ડિસેમ્બર, 2023 સુધીમાં નોંધાવવા એવી અપીલ મુંબઈ શહેરના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્ર ક્ષીરસાગરે મુંબઈગરાને કરી હતી.
1 જાન્યુઆરી, 2024ની પાત્ર તારીખને આધારે મુંબઈ શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠકના 2509 કેન્દ્રો પરની મતદારયાદીનાં સૂત્રીકરણના કામને મંજૂરી આપવામાં આવી હતી અને તેને આધારે મતદારયાદીની સમીક્ષા કરવામાં આવી હતી. આ મતદાનકેન્દ્રોની યાદીનો ડ્રાફ્ટ મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીમાં તેમ જ સીઈઓ.મહારાષ્ટ્ર.જીઓવી.
ઈન વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમ જ બધા જ મતદારસંઘની કચેરીમાં બોર્ડ પર લગાવવામાં આવી છે. મતદારોએ તેમના નામની ચકાસણી કરીને વાંધા વિરોધ હોય તો અરજી નમૂના પત્ર છ, સાત અને આઠ ભરીને 9, ડિસેમ્બર, 2023 પહેલાં નોંધાવવા.
આ યાદીમાં કુલ 24,50,355 મતદારો છે. 8920 નવા મતદાર છે. જ્યારે મૃત, બેવડાયેલા અને કાયમી ધોરણે સ્થળાંતરિત થયેલા 6,107 મતદારોના નામ કાપી નાખવામાં આવ્યા છે. પુરુષ મતદારની સંખ્યા 13,27,131 છે જ્યારે સ્ત્રી મતદારો 11,23,018 છે. તૃતીય પંથી મતદારોની સંખ્યા 206 છે.
વસ્તીમાં 1819 વર્ષના યુવાનોની સંખ્યા ત્રણ ટકા હોવા છતાં મતદારયાદીમાં તેમનું પ્રમાણ ફક્ત અડધો ટકો છે. આ બાબતને ધ્યાનમાં લેતાં કોલેજોમાં વિશેષ મતદારનોંધણી શિબિરનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ પણ તેમણે કહ્યું હતું.