આમચી મુંબઈ

બાળકો વેચવાના રૅકેટનો પર્દાફાશ: ડૉક્ટર સહિત સાતની ધરપકડ

14 બાળક વેચ્યાનો ખુલાસો: તાબામાં લેવાયેલા વધુ ત્રણ એજન્ટની પૂછપરછ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ-થાણેનાં બાળકો તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં કથિત રીતે ગેરકાયદે વેચવાના રૅકેટનો પર્દાફાશ કરી ક્રાઈમ બ્રાન્ચે દીવામાં આવેલી હૉસ્પિટલના ડૉક્ટર સહિત સાત જણની ધરપકડ કરી હતી. આ કેસમાં વધુ ત્રણ એજન્ટને તાબામાં લીધા હોવાથી આ ટોળકીએ અત્યાર સુધીમાં 14 બાળક વેચ્યાં હોવાનો ખુલાસો તપાસમાં થયો હતો. જોકે પોલીસને બે બાળક છોડાવવામાં સફળતા મળી હોવાથી અન્ય બાળકોની શોધ ચલાવાઈ રહી છે.


મહિલા ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (એન્ફોર્સમેન્ટ) રાગાસુધા આર.એ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એક આરોપીના મોબાઈલમાંથી મળેલી વિગત અનુસાર સપ્ટેમ્બર, 2022થી આ રૅકેટ ચાલી રહ્યું હતું. રત્નાગિરિના ગુહાગરથી છોડાવાયેલા પાંચ મહિનાના બાળક અને મલાડથી છોડાવવામાં આવેલી બે વર્ષની બાળકીના વડીલોને પોલીસની ટીમ શોધી રહી છે.


ક્રાઈમ બ્રાન્ચના અલગ અલગ યુનિટના અધિકારીઓએ જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી ડૉ. સંજય સોપાનરાવ ખંદારે (42), વંદના અમિત પવાર (28), શીતલ ગણેશ વારે (41), સ્નેહા યુવરાજ સૂર્યવંશી (24), નસીમા હનીફ ખાન (28), લતા નાનાભાઉ સુરવાડે (36) અને શરદ મારુતિ દેવર (45)ની ધરપકડ કરી હતી. બીએચએમએસ ડૉ. સંજય ખંદારે 2017થી દીવામાં હૉસ્પિટલ ચલાવે છે. પકડાયેલા અન્ય આરોપી રૅકેટના એજન્ટ તરીકે કામ કરતા હોવાનું તપાસમાં જણાયું હતું.


અધિકારીના જણાવ્યા મુજબ શીતલ વારે નામની મહિલાએ મુંબઈમાંથી પાંચ બાળકો અન્ય રાજ્યમાં વેચ્યાં હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે ગોવંડી પરિસરમાંથી શીતલને તાબામાં લેવાઈ હતી. શીતલે વિક્રોલી પૂર્વના ક્ધનમવાર નગરમાં રહેતી કાંતા પેડણેકરના પાંચ મહિનાના બાળકને 13 ડિસેમ્બર, 2022ના રોજ વેચવામાં મદદ કરી હતી. આ બાળક રત્નાગિરિ જિલ્લામાં રહેતા પવાર દંપતીને બે લાખ રૂપિયામાં વેચવામાં આવ્યો હોવાની કબૂલાત શીતલે કરી હતી.


શીતલે આપેલી માહિતી પરથી પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય છ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસની ટીમે વધુ ત્રણ એજન્ટને પણ તાબામાં લીધા હતા, જેમની આ કેસમાં ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. શીતલની માહિતી પરથી પોલીસે રત્નાગિરિથી પેડણેકરના બાળકને છોડાવ્યો હતો, જોકે પોલીસ કાર્યવાહીની જાણ થતાં જ પેડણેકર ગુમ હોવાનું કહેવાય છે.


આરોપીઓની પૂછપરછમાં નાલાસોપારાની બે વર્ષની બાળકીને મલાડથી છોડાવવામાં સફળતા મળી હતી. આ બાળકીને મલાડના શેટ્ટી દંપતીને અઢી લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી. બન્ને બાળકને મહાલક્ષ્મીની બાળ આશા ટ્રસ્ટમાં રાખવામાં આવ્યાં હોવાનું પોલીસનું કહેવું છે.


અધિકારીના જણાવ્યા મુજબ બાળકોને ગેરકાયદે વેચવાનું રૅકેટ તેલંગણા અને આંધ્ર પ્રદેશ સુધી ફેલાયેલું છે. તેલંગણાના ફર્ટિલિટી સેન્ટર સાથે સંકળાયેલી સ્નેહા સૂર્યવંશી માગણી પ્રમાણે મુંબઈ-થાણેથી બાળકો મગાવતી હતી. આ ટોળકીએ અનેક બાળકો વેચ્યાં હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button