મુંબઈની ૩૦૦ એકર જમીનમાં ‘મુંબઈ સેન્ટ્રલ પાર્ક’ ઊભું કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રતિષ્ઠિત મહાલક્ષ્મી રેસકોર્સ મેદાન અને મુંબઈ કોસ્ટલ રોડના અમુક ભાગ સહિતની ૩૦૦ એકરની જમીનને ટૂંક સમયમાં વિશાળ ‘મુંબઈ સેન્ટ્રલ પાર્ક’માં રૂપાંતરિત કરવામાં આવવાનું હોવાની જાહેરાત મહારાષ્ટ્રના નાયબ પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે કરી હતી.
શહેરની વચ્ચોવચ મધ્યમાં એક વિશ્ર્વ સ્તરીય ગ્રીન સ્પેસ તરીકે કલ્પના કરાયેલા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો હેતુ રહેવાસીઓ અને મુલાકાતીઓને એક ભવ્ય મનોરંજન ક્ષેત્ર પ્રદાન કરીને મુંબઈના લેન્ડસ્કેપને ફરી એક વખત દેશ-વિદેશમાં પ્રખ્યાત કરવાનો હોવાનું નાયબ મુખ્ય પ્રધાને કહ્યું હતું.
‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અભિયાનના ભાગરૂપે ‘સ્વચ્છોત્સવ’ નામની એક ખાસ સ્વચ્છતા પહેલ હાલમાં ચાલી રહી છે. ગુરુવારે એકનાશ શિંદેના નેતૃત્વમાં આ પહેલ હેઠળ મેટ્રો સિનેમાંથી ફેશન સ્ટ્રીટ સુધીના વિસ્તારને આવરી લઈને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમ્યાન તેમણે આગામી સેન્ટ્રલ પાર્ક પ્રોજેક્ટ વિશે મહત્ત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે ડિટેલ પ્રોેજેક્ટ રિપોર્ટ (ડીપીઆર)ને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે અને નજીકના ભવિષ્યમાં બાંધકામ શરૂ થવા માટે પાયો નાખવાનું કામ ચાલુ કરવામાં આવશે.
જુલાઈ, ૨૦૨૪માં પાલિકા અને રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબે રેસકોર્સ ગ્રાઉન્ડે પાલિકા પ્રશાસનને સોંપવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એકનાથ શિંદેની હાજરીમાં આ હસ્તાક્ષર થયા હા. કુલ ૨૧૧ એકરમાંથી ૧૨૦ એકર જગ્યા હવે પાલિકાના કબજા હેઠળ છે, જ્યારે બાકીની ૯૧ એકર જગ્યા ફરીથી રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબને લીઝ પર આપવામાં આવી છે. લીઝનો સમયગાળો પહેલી જૂન, ૨૦૨૪થી ૩૧મે, ૨૦૫૩ સુધીનો છે.
ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કથી પ્રેરિત આ પબ્લિક પાર્કમાં વનસ્પતિ ઉદ્યાન, બાળકોના રમતના વિસ્તારો, ચાલવા અને જોગિંગ કરવા માટે ટ્રેક, લેન્ડસ્કેપ જળાશય અને આર્ટ, યોગા અને મેડિટેશન સેન્ટર માટે સમર્પિત સાંસ્કૃતિક જગ્યાઓ હશે. નોંધનીય છે કે સેન્ટ્રલ પાર્કની ડિઝાઈન એ મુજબની છે કે મુલાકાતીઓ સ્ટેન્ડના દરેક સ્તર પરથી રેસકોર્સ ટ્રેકના અવિરત દૃશ્યોનો આનંદ માણી શકશે.
પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે જુલાઈમાં પાલિકાએ મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે ૯૩ લીઝ એકરમાંથી ૩૨ એકર પર ક્લબહાઉસ અને બેન્કવેટ હોલ બનાવવા માટે રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. લેઆઉટ યોજના મંજૂર થઈ ગઈ છે અને બાંધકામ માટે હવે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અને મુંબઈ હેરિટેજ ક્ધઝર્વેશન કમિટી તરફથી રાહ જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો…મુંબઈના ૫૭૪ રસ્તાઓના કૉંક્રીટીકરણ ફરી શરૂ કરવા ટ્રાફિક પોલીસે આપી એનઓસી