ભાયખલા પ્રાણીબાગમાં માછલીઘર બનાવવાની યોજના પર પાણી ફરી વળ્યું…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયખલામાં પ્રાણી સંગ્રહાલયમાં એક્વેરિયમ (માછલીઘર) બનાવવાની મુંબઈ મહાનગરપાલિકાની મહત્ત્વાકાંક્ષી યોજના પર ફરી એક વખત પાણી ફરી વળ્યું છે. સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય દ્વારા દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા રદ કરવાની માગણી બાદ પાલિકાના અધિકારીઓેએ આ પ્રોજેક્ટનું ફરીથી મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો છે. તેથી હવે પૅંગ્વિન કક્ષ નજીક એક્વેરિયમ બનાવવા બાબતે ક્ધસલ્ટન્ટ પાસેથી વિગતવાર અભ્યાસ કરીને તેનો અહેવાલ લીધા બાદ જ આગળ નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે.
Also read :…તો ચીનનો રેકોર્ડ તૂટશેઃ નરીમાન પોઈન્ટથી વિરાર ૪૦ મિનિટમાં પહોંચાશે
હાલ પ્રાણીબાગમાં રહેલા પૅંગ્વિનની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે તેમના માટે નવું ઘર શોધવામાં જ પાલિકાને તકલીફ થઈ રહી છે. પાલિકા પ્રાણી સંગ્રહાલયમાં જ ૧૮ પૅંગ્વિનને સમાવવા માટે તેમના ઘરને વિસ્તારવાની યોજના બનાવી રહી છે. એ સાથે જ પાલિકા ૬૫ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે ટનલ એક્વેરિયમ બનાવવાની તેની યોજના સાથે આગળ વધી રહી છે, તેમાં હવે સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય રઈસ શેખે પાલિકા કમિશનરને પત્ર લખીને એક્વિેરિયમના બાંધકામ માટેના ટેન્ડર રદ કરવાની માગણી કરી છે, જેમાં માત્ર એક જ બોલી લગાવનારી વ્યક્તિએ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. તેથી આ બોલીમાં પારદર્શિતા સામે તેમણે સવાલ ઉપસ્થિત કર્યા હતા.
પર્યાપ્ત જગ્યાના અભાવમાં અહીં ભવિષ્યમાં નાસભાગ અને આગ લાગવાના સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને ટેન્ડર પ્રક્રિયામાં ફક્ત એક જ બોલી લગાવવા સામેના જોખમ સામે પણ વિધાનસભ્યએ આંગળી ચીંધી છે. જોકે પાલિકાના અધિકારીએ આ બાબતે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે શરૂઆતમાં બે બોલી લગાવનારા હતા, પરંતુ એક અપાત્ર ઠર્યો હતો, તેને કારણે રેસમાં ફક્ત એક જ બીડર બાકી રહ્યો હતો. વધુમાં પૅંગ્વિન કક્ષ નજીક નક્કી કરાયેલી જગ્યા વન-વે છે, તેથી નાસભાસ સહિતના જોખમનું પ્રમાણ નહીંવત છે.
આ દરમિયાન વિધાનસભ્ય દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલ બાબતે પાલિકાએ ક્ધસલ્ટન્ટ નીમીને આ સ્થાનની શક્યતા તપાસવાનું નક્કી કર્યું છે. પાલિકાએ ઓછામાં ઓછી ૪૬ વિવિધ પ્રજાતિના જળચર વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સાથે એક એક્વેરિયમ પણ બનાવવાનું નક્કી કર્યું છે. આ યોજના મુજબ એક્વેરિયમમાં ગુંબજ આકારનો પ્રવેશદ્વાર અને બે એક્રેલિક વોક-થ્રૂ ટનલ હશે. ૧૪ મીટર ટનલની ટનલ ફક્ત કોરલ માછલીઓ માટે હશે, જ્યારે બીદી ૩૬ મીટર લાંબી ટનલ ઊંડા સમુદ્રની જળચર પ્રજાતિ માટે આરક્ષિત રહેશે.
Also read : એરપોર્ટ પર લગેજના વજન મુદ્દે મુસાફરોને છેતરવાનો આક્ષેપ કર્યો મુસાફરે
અગાઉ ૨૦૨૨માં તત્કાલીન પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ વરલી ખાતે મેગા એકવેરિયમ બનાવવાની જાહેરાત કરી હતી, તેને પગલે ભાયખલાના પ્રાણીસંગ્રહાલયમાં એક્વેરિયમ બનાવવાની યોજના રદ કરવામાં આવી હતી.