મુંબઇ બોટ અકસ્માતઃ ડૂબતા લોકો માટે દેવદૂત બનીને આવ્યા ત્રણ CISF કોન્સ્ટેબલ, તેમની હિંમતને કારણે મોટી દુર્ઘટના ટળી
મુંબઇઃ મુંબઈમાં નેવીની સ્પીડ બોટે મુસાફરોથી ભરેલી બોટને ટક્કર મારતા બોટ દરિયામાં પલટી જતા થયેલા અકસ્માતમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનામાં 13 લોકોના મૃત્યુથયા હોવાના અહેવાલ છે. જોકે, મૃત્યુઆંક ઘણો વધારે હોત, પરંતુ ત્રણ CISF કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ અમોલ મારુતિ સાવંત, વિકાસ ઘોષ અને અરુણ સિંહની બહાદુરીને કારણે બુધવારે મોટી દુર્ઘટના ટળી હતી.
આ ત્રણે કોન્સ્ટેબલ અકસ્માત સ્થળથી માત્ર 4-5 કિલોમીટર દૂર પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને જવાહર દીપ ટાપુ તરફ જતા હતા. CISF કંટ્રોલ રૂમમાંથી એસઓએસ કોલ મળતાં જ કોન્સ્ટેબલ સાવંતે તરત જ તેની પેટ્રોલિંગ બોટને ડાયવર્ટ કરી હતી અને તેઓ પલટી ગયેલી બોટના સ્થળે પહોંચી ગયા હતા. કોન્સ્ટેબલ સાવંતે જણાવ્યું હતું કે તેમને બપોરે 3:55 વાગ્યે ફોન આવ્યો અને તેઓ 1,600 આરપીએમ પર મુસાફરી કરીને 4:05 વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
સાવંતે કહ્યું હતું કે, ‘જ્યારે અમે પહોંચ્યા ત્યારે આખી બોટ પલટી ગઈ હતી. બોટમાં 3 થી 11 વર્ષની વયના 9-10 બાળકો હતા. અમે જેને બચાવ્યો તે ત્રણ વર્ષનો છોકરો હતો. અમારી પ્રાથમિકતા તમામ બાળકોને બચાવવાની હતી અને અમે તેમને સફળતાપૂર્વક બચાવવામાં સફળ રહ્યા પણ, કમનસીબે એક બાળકનો જીવ ગયો. સાવંતે કહ્યું કે ભયાનક દ્રશ્ય જોઈને લોકો ચીસો પાડી રહ્યા હતા, મુસાફરો ગભરાઈ ગયા હતા અને મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. અમારી પેટ્રોલિંગ બોટમાં 15 મુસાફરોની ક્ષમતા હોવા છતાં, અમારી ટીમે ઈમરજન્સીમાં 25-30 લોકોને ડૂબતા બચાવી અમારી બોટમાં મૂક્યા અને પછી ત્યાંથી પસાર થતી જેએનપીટી બોટમાં બચાવેલા લોકોને ખસેડ્યા હતા.
Read This Also….દક્ષિણ મુંબઈના ત્રણ મોકાના પ્લોટ માટે પાલિકા ફરી ટેન્ડર બહાર પાડશે
સાવંતે જણાવ્યું હતું કે બચાવી લેવાયેલા મોટાભાગના મુસાફરો બેભાન હતા અને તેમણે તથા તેમના સાથીદારોએ તેમને બીજી બોટમાં ખસેડીને જેએનપીટીની હોસ્પિટલમાં લઈ જતા પહેલા બધાને CPR આપ્યું હતું. સાવંતના જણાવ્યા અનુસાર, 30-35 મુસાફરોને બચાવ્યા બાદ નેવી, કોસ્ટ ગાર્ડ અને મુંબઈપોલીસની બચાવ ટુકડીઓ વધારાની સહાય પૂરી પાડવા માટે પહોંચી હતી અને ત્યારબાદ મોટી સંખ્યામાં લોકોને બચાવી લેવાયા હતા.
CISFની પેટ્રોલિંગ બોટ સમયસર પહોંચી જવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. CISFના એક સત્તાવાર નિવેદન અનુસાર, અન્ય એજન્સીઓની મદદથી ત્રણ કોન્સ્ટેબલ દ્વારા લગભગ 72 મુસાફરોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા.