નેવીના ડ્રાઇવરે સ્પીડ બોટ પરનો કાબૂ ગુમાવતાં તે ફૅરી સાથે ટકરાઈ: પોલીસ
મુંબઈ: મધદરિયે ઉરણ નજીક એન્જિન ટ્રાયલ વખતે નેવી ડ્રાઇવરે સ્પીડ બોટ પરનો કાબૂ ગુમાવતાં તે પ્રવાસીઓને લઇ જનારી ફૅરી સાથે જોરથી અથડાઇ હતી, એમ દુર્ઘટનામાં ઘાયલ થયેલા નેવીના કર્મચારીએ પોલીસને જણાવ્યું હતું.
આ દુર્ઘટનાની તપાસ કરી રહેલી પોલીસે નેવીના ઘાયલ કર્મચારીનું નિવેદન નોંધ્યું હતું, જે સ્પીડ બોટમાં હાજર હતો. નીલકમલ નામની ફૅરી બુધવારે બપોરે ગેટવે ઓફ ઇન્ડિયાથી પ્રવાસીઓને લઇ એલિફન્ટા ટાપુ જઇ રહી હતી ત્યારે મધદરિયે સ્પીડ બોટ તેની સાથે અથડાઇ હતી, જેને કારણે ફૅરી ઊંધી વળીને ડૂબી ગઇ હતી. આ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત થયાં હતાં.
કોલાબા પોલીસ સ્ટેશનની ટીમે નેવીના ઘાયલ કર્મચારી કર્મવીર યાદવનું આ પ્રકરણે નિવેદન નોંધ્યું હતું, જેની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો : સ્પીડ બોટ સાથે અથડાવાને કારણે બોટમાં પાણી ભરાવા લાગ્યું અને…’, મુંબઈ બોટ અકસ્માતમાં બચી ગયેલા વ્યક્તિએ કહ્યું કે…
કર્મવીર યાદવના જણાવ્યા અનુસાર મધદરિયે નેવીની સ્પીડ બોટના એન્જિનનું ટ્રાયલ ચાલી રહ્યું હતું ત્યારે ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને તે પ્રવાસીઓથી ભરેલી ફૅરી સાથે અથડાઇ હતી. પોલીસ ટીમે દુર્ઘટનાગ્રસ્ત બોટનું નિરીક્ષણ પણ કર્યું હતું. (પીટીઆઇ)