મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા મહાપાલિકાનો વિવિધ માધ્યમોનો ઉપયોગ

મુંબઈ: આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા માટે જનજાગૃતિ લાવવા મુંબઈ મહાપાલિકા દ્વારા વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શાળા-સોસાયટી અને નાગરિકોની ભીડવાળાં સ્થળોએ વિવિધ ઉપક્રમો હાથ ધરવાની સાથે સોશ્યલ મીડિયા અને સિનેમાગૃહોમાં પણ મતદાનના સંદેશ આપવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
મહાપાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ 15 જાન્યુઆરીએ થનારી ચૂંટણીમાં 1,03,44,315 મતદાર મતદાન કરી શકશે. મતદારોને તેમના મતનું મહત્ત્વ સમજાય, દરેક મતદારો નીડરતાથી, કોઈ પણ લાલચ વિના મતદાન કરે તે માટે મહાપાલિકા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
મતદાન માટે લોકોમાં જાગૃતિ વધે તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઉપલબ્ધ ડિજિટલ પોસ્ટર્સ, બૅનર્સ, વીડિયો મહાપાલિકા દ્વારા પરવાનગી આપવામાં આવી છે એવાં ડિજિટલ હોર્ડિંગ્સ અને અન્ય સ્થળે પ્રદર્શિત કરાઈ રહ્યા છે. રેલવે, મેટ્રો રેલ, ઍરપોર્ટ તેમ જ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી, મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન વગેરે સત્તાવાળાઓ દ્વારા પણ ડિજિટલ પ્લૅટફોર્મ પર આ વીડિયો પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. એ સિવાય મહાપાલિકાના જનસંપર્ક વિભાગ દ્વારા સોશ્યલ મીડિયા પર રોજ મતદાન સંબંધી મેસેજ પોસ્ટ કરવામાં આવી રહ્યા છે.
ખાસ કરીને યુવાનો અને પહેલી વાર મતદાન કરનારાઓ માટે પાલિકા દ્વારા આકર્ષક સેલ્ફી પૉઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે તો રેલવે સ્ટેશનો, મૉલ ચોપાટી જેવાં નાગરિકોના ભીડવાળાં પચીસ જેટલાં સ્થળોએ ફ્લૅશ મૉબના માધ્યમથી સંદેશા આપવામાં આવી રહ્યા છે.
મુંબઈનાં 62 સિનેમાઘરોના 200 પડદા પર મતદાન માટે જનજાગૃતિના 30 સેક્ધડના વીડિયો દર્શાવવામાં આવી રહ્યા છે. શહેરના નાટ્યગૃહોમાં પણ ઓડિયો રેકોર્ડિંગ દ્વારા જનજાગૃતિ કરવામાં આવી રહી છે. આ સિવાય શેરી નાટકો, મહાપાલિકાના 1,300થી વધુ ડમ્પર પર સ્ટિકર્સ લગાવીને મતદારોને મતદાન માટે પ્રેરિત કરાઈ રહ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.



