શિવાજી પાર્કની ધૂળને સમસ્યાને દૂર કરવા આઈઆઈટીની મદદ લેવાશે: બીએમસી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દાદરમાં છત્રપતિ શિવાજી મહારાજ મેદાન (શિવાજી પાર્ક)માં ધૂળ પ્રદૂષણનો સામનો કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ લાંબા ગાળાના નિવાકર પગલાંની યોજના બનાવવા માટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી બોમ્બે (આઈઆઈટી-બૉમ્બે)ના નિષ્ણાતો સાથે કામ કરી રહી છે.
મંગળવારે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ શિવાજી પાર્ક અને તેની આસપાસના વૉક-વેનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને નિયમિત જાળવણી, સમયસર સમારકામ અને પરિસરમાં યોગ્ય સ્વચ્છતાની ખાતરી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ શિવાજી પાર્કની મુલાકાત દરમ્યાન સ્થાનિક રહેવાસીઓ સાથે ચર્ચા કરી હતી અને તેમને લાલ માટીથી થનારા ધૂળ પ્રદૂષણની સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ લાવવાનું આશ્ર્વાસન આપ્યું હતું. આ પરિસરને ધૂળ મુક્ત કરવા આઈઆઈટીના નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે. પરિસરને હરિયાળોે રાખવા માટે ઘાસ ઉગાડવાનું કામ આઈઆઈટીની મદદથી કરવામાં આવી રહ્યું છે.
તેમ જ સ્થાનિક નાગરિકોની સૂચનાને ધ્યાનમાં રાખીને ધૂળ પ્રતિબંધાત્મક વધુ ઉપયાયોજના પણ અમલમાં મૂકવામાં આવવાની હોવાનું તેમણે કહ્યું હતું. આ દરમ્યાન શિવાજી પાર્ક મેદાન વિસ્તારમાં ફૂટપાથની નિયમિત જાળવણી અને સમારકામ કરવા પર તેમણે ભાર આપ્યો હતો.

શિવાજી પાર્ક મેદાન બાદ કમિશનરે માહિમ કિલ્લાની પણ મુલાકાત લીધી હતી. આ કિલ્લો એક પ્રાચીન હેરિટેજ બાંધકામ છે છે અને કિલ્લાને પુન:સ્થાપિત કરવા માટે અને તેને સુંદર બનાવવાના પગલાં એક સાથે વિચારવા જોઈએ એવું બોલતા કમિશનરે કહ્યું હતું કે ભવિષ્યમાં મુંબઈ આવતા પ્રવાસીઓ માટે આ સ્થળને પર્યટન સ્થળ તરીકે કેવી રીતે વિકસાવી શકાય તે અંગે પગલા અમલમાં મૂકવામાં આવશે.