આમચી મુંબઈ

વાંક ગુજરાતી મતદારોનો

મુંબઈમાં 70 બેઠકો એવી છે, જ્યાં ગુજરાતી મતદારો 35 ટકા અથવા તેનાથી વધુ છે એટલે કે બહુમતી ગણી શકાય છે અને બીજી 40 બેઠકો એવી છે જ્યાં ગુજરાતીઓની વસ્તી 10 ટકા કે તેનાથી વધુ એટલે કે નિર્ણાયક ભૂમિકા આપી શકે એવી છે: આમ છતાં આ બેઠકો પરથી મરાઠી અને અન્યભાષી ઉમેદવારો આપવામાં આવે છે અને તેઓ ચૂંટાઈ આવે છે જાગો મતદારો જાગો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના 227 વોર્ડનું સર્વેક્ષણ કરવામાં આવ્યું અને તેમાંથી કેટલાક ચોંકાવનારા આંકડા જોવા મળ્યા છે. મુંબઈ શહેરની 227 બેઠકમાંથી 70 બેઠકો એવી છે જ્યાં મતદારોમાં ગુજરાતીઓની બહુમતી છે. એટલે કે ગુજરાતી મતદારોની સંખ્યા કુલ મતદારોના 35 ટકાથી વધુ છે. આ ઉપરાંત બીજી 40 બેઠકો એવી છે, જ્યાં ગુજરાતી મતદારોની સંખ્યા 10 ટકા કે તેનાથી વધુ છે. એટલે કે આ 40 મતદારસંઘોમાં ગુજરાતી મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે.

આવી રીતે જોવા જઈએ તો મુંંબઈની 227 બેઠકોમાંથી 110 બેઠકો એવી છે, જ્યાં ગુજરાતીઓ ભાવિ નગરસેવક નક્કી કરી શકે છે. આમ છતાં છેલ્લા બે દાયકામાં ગુજરાતી નગરસેવકોની સંખ્યા સતત ઘટી રહી છે અને તેને માટે ગુજરાતી મતદારો જ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મુંબઈના એક જાણીતા રાજકીય વિશ્ર્લેષકે (વિશ્લેષક) ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે દાયકાઓથી ગુજરાતી મતદારો સાથે અન્યાય થઈ રહ્યો છે. ગુજરાતી બહુમતી વિસ્તારમાં બિનગુજરાતી ઉમેદવાર આપવામાં આવે છે અને આ ઉમેદવારો વિજયી પણ થાય છે. આને માટે કારણ એવું હોઈ શકે છે કે ગુજરાતી મતદારો પાર્ટી નિષ્ઠા જાળવી રાખવામાં સારા છે. આવા અન્યાયની શરૂઆત તો વર્ષો પહેલાં કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ હવે તો ભાજપ દ્વારા છડેચોક ગુજરાતી બહુમતી વિસ્તારોમાં મરાઠી અને અન્યભાષી ઉમેદવારો આપવામાં આવે છે. આ સ્થિતિ માટે ગુજરાતી મતદારો પોતે પણ જવાબદાર છે.

અન્ય એક રાજકીય પત્રકારે એવો મત કર્યો હતો કે વાસ્તવમાં ગુજરાતી મતદારોની મતદાન ટકાવારી ઘણી ઓછી રહેતી હોય છે. ગુજરાતી મતદારો મતદાન કરવાને બદલે રજા માણવામાં કે પોતાના ધંધા-વેપાર કરવામાં દિવસ વિતાવે છે અને તેને કારણે તેમની અવગણના કરવામાં આવી રહી છે, બીજી તરફ મુસ્લિમ મતદારો જાગૃત હોવાને કારણે જે વિસ્તારોમાં મુસ્લિમોની બહુમતી છે એવા એકેય વિસ્તારોમાં અન્યોને ઉમેદવારી આપવામાં જ આવતી નથી. આ તેમની એકતાનું પ્રમાણ છે.

જાણીતા રાજકીય પક્ષના એક મોટા ગજાના ગુજરાતી નેતાએ નામ ન આપવાની શરતે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે સામાન્ય રીતે રાજકારણમાં એવો નિયમ હોય છે કે જે સમાજની વસ્તી 35 ટકાથી વધુ હોય ત્યાં એ જ સમાજના વ્યક્તિને ઉમેદવારી આપવી, પરંતુ મુંબઈમાં છેલ્લી બે ચૂંટણીમાં તમે જોયું હશે કે 90 ટકા ગુજરાતી વસ્તીમાં આયાતી/બિનગુજરાતી ઉમેદવારને પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી હતી અને મતદારોએ હોંશે-હોંશે તેમને જંગી બહુમત સાથે ચૂંટી કાઢ્યા હતા.

આવા પરિણામો બાદ ગુજરાતી મતદારો એવી આશા રાખે કે આગામી ચૂંટણીમાં તેમના વિસ્તારમાંથી ગુજરાતી ઉમેદવાર ઊભા રાખવામાં આવે તો તેમને મુર્ખા ગણાવી શકાય. હવે જ્યારે પાર્ટીને ખાતરી થઈ ગઈ છે કે ગમે તે ઉમેદવાર ઊભો રાખો, પક્ષ-નિષ્ઠાનો અંચળો ઓઢેલા ગુજરાતીઓ મતદાન કરવાના જ છે ત્યારે તેઓ ગુજરાતીઓની ભાવનાની દરકાર કરવાના જ નથી.

અહીં ઉલ્લેખનીય છે કે બે મુખ્ય રાજકીય પક્ષો કૉંગ્રેસ અને ભાજપને અત્યારે લગભગ 50-50 ગુજરાતી સંભવિત ઉમેદવારો પાસેથી અરજી મળી છે અને આમાંથી કેટલા ગુજરાતી સંભવિત ઉમેદવારોને પાલિકાની ટિકિટ આપવામાં આવે છે તે જોવાનું રહેશે.

પક્ષ દ્વારા ઊભા રાખવામાં આવેલા ગુજરાતી ઉમેદવારોને કેટલું મતદાન થાય છે અને ગુજરાતી વિસ્તારોમાં ઊભા રાખવામાં આવેલા બિનગુજરાતી/આયાતી ઉમેદવારોને કેટલું મતદાન થાય છે તેના પરથી કેટલા ગુજરાતી મતદારો જાગ્યા એની પારાશીશી નીકળશે એવું અત્યારે કહી શકાય.

આ પણ વાંચો…ઉદ્ધવ અને મનસેની યુતિથી પૂર્વ ઉપનગરમાં સમીકરણો બદલાશે?

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button