આમચી મુંબઈ

BMC ચૂંટણી: આવતીકાલે સવારે 10 વાગ્યાથી મતગણતરી, જાણો મુંબઈમાં કેવું રહ્યું મતદાન…

મુંબઈ સહિત 28 મહાનગરપાલિકાનું ભાવિ શુક્રવારે નક્કી થશે; મતદારોએ નામ શોધવા અને બૂથ ફેરફારને લઈ ભોગવી હાલાકી

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી (બીએમસી) માટે મતગણતરી શુક્રવારે સવારે 10 વાગ્યે શરૂ થશે એમ પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ ગુરુવારે જણાવ્યું હતું. ગુરુવારે મહારાષ્ટ્રમાં બીએમસી અને અન્ય 28 મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતદાન પાર પાડવામાં આવ્યું હતું. 28 પાલિકાને બાદ રાખતા મુંબઈ મહાનગર પાલિકાના પરિણામ પર સૌની નજર રહેશે. આજે સાંજના સાડા પાંચ વાગ્યા પછી મતદાન પૂરું થયા પછી રાજ્યના ઈલેક્શન કમિશનરે કહ્યું હતું કે રાજ્યમાં એકંદરે 46થી પચાસ ટકા મતદાન નોંધાયું છે, જેના ચોક્કસ આંકડા આવતીકાલ સુધીમાં મળશે. જોકે, 2017થી વધુ મતદાન થયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

ભૂષણ ગગરાણીએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે મતદાન અને ગણતરી વચ્ચે ટૂંકા અંતરને કારણે, તમામ નગરપાલિકાના વોર્ડ માટે મત ગણતરી શુક્રવારે સવારે 10 વાગ્યે શરૂ થશે. ચૂંટણીના પરિણામ થોડા મોડા – હંમેશા કરતા એક કલાક વધુ મોડા જાહેર થઈ શકે છે. મ્યુનિસિપલ કમિશનરે તમામ સંબંધિત વિભાગોને મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ, પારદર્શક અને સમયસર પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે, જેથી નાગરિકોનો લોકશાહી પ્રક્રિયામાં વિશ્વાસ વધુ મજબૂત બને.

અગાઉ 2017ની ચૂંટણીમાં શિવસેનાને 84 તો ભાજપને 82 બેઠક મળી હતી, પરંતુ આ વખતની ચૂંટણીમાં ઠાકરે બંધુ એક થયા પછી ચૂંટણીના પરિણામ માટે આવતીકાલનો દિવસ કયામતનો કહી શકાય. મુંબઈની મતગણતરી માટે કુલ 23 રિટર્નિંગ ઓફિસરને નિયુક્ત કરવામાં આવ્યા છે. મતગણતરી માટે કુલ 2,299 અધિકારી-કર્મચારીને તહેનાત કર્યાં છે, જેમાં 759 સુપરવાઇઝર, 770 સહાયકો અને 770 વર્ગ IV કર્મચારીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો…એક્ઝિટ પોલઃ બીએમસીમાં ‘અસલી’ કિંગ કોણ અને કોને પડશે ફટકો?

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં નગરપાલિકાની ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું. અમુક જગ્યાએ હિંસાના બનાવ બન્યા, પરંતુ એકંદરે મતદાન શાંતિપૂર્વક થયું હતું. જોકે, ઘણા મુંબઈગરાઓને પાલિકાની ચૂંટણીમાં મતદાન કરવામાં પડેલી મુશ્કેલીઓની ફરિયાદ કરી હતી. કોઈ ઠેકાણે મતદાન મથકમાં ફેરફારની સમસ્યા હતી તો કોઈ જગ્યાએ મતદાર યાદીમાં નામ શોધવાની તકલીફ વેઠવી પડી હતી.

ચૂંટણી પ્રક્રિયાની બીજી બાજુ, ચૂંટણી કર્મચારીઓ અને પક્ષના કાર્યકરો સમક્ષ પણ અસંતુષ્ટ મતદારોએ રાવ કરી હતી. ઘણા લોકોએ દાવો કર્યો કે તેમને આપવામાં આવેલી યાદીમાં છાપેલા ફોટોગ્રાફ્સ ખરાબ હોવાથી ચકાસણી કંટાળાજનક બની ગઈ હતી.

અનેક મતદારોએ જણાવ્યું હતું કે તેમના વર્ષો જૂના મતદાન મથકો પૂરતી પૂર્વ માહિતી વિના બદલાઈ ગયા હતા અથવા અન્ય મથક સાથે જોડી દેવામાં આવ્યા હતા. કેટલાક મતદારો યાદીમાં પોતાનું નામ શોધવા માટે દોડાદોડી કરતા જોવા મળ્યા હતા. મુંબઈમાં ઘણા મતદાન મથકો પર ખાસ કરીને સવારના સમયે આવી ધમાલ જોવા મળી હતી.

પરેલના શિવસેનાના એક કાર્યકર્તાએ દાવો કર્યો હતો કે ઘણા લોકો સવારમાં મતદાન કરી શક્યા ન હતા કારણ કે તેઓ તેમના હંમેશના મતદાન મથકો પર ગયા હતા ત્યારે તેમને ખબર પડી કે બૂથ ખસેડવામાં આવ્યા છે. તેમાંથી ઘણા મતદાન કર્યા વિના જતા રહ્યા હતા.

ઘણા કિસ્સામાં એક જ ઇમારતના રહેવાસીઓને દૂર સ્થિત અલગ અલગ મતદાન મથકો ફાળવવામાં આવ્યા હતા. કેટલાક સ્થળોએ, મતદાન કર્મચારીઓ મતદારોને તેમના સોંપાયેલા બૂથ શોધવામાં મદદ કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો…મતદાન કર્યા પછી આંગળી પરની શાહી કેમ સાફ કરવામાં આવે છે? ચૂંટણી પંચના વાઘમારેનો રમુજી જવાબ…

દરમિયાન એક નિવૃત્ત પ્રોફેસરે દાદરના જી-નોર્થ વોર્ડ રિટર્નિંગ ઓફિસરને તેમના મકાનમાંથી ચાર મતદારોની યાદી સુપરત કરી અધિકારીઓને સંભવિત નકલના પ્રયાસો સામે સતર્ક રહેવા વિનંતી કરી હતી. નામ ન આપવાની શરતે પીટીઆઈ સાથે વાત કરતા 84 વર્ષના વૃદ્ધે જણાવ્યું હતું કે આ ચાર વ્યક્તિ હાલમાં વિદેશમ છે અને ચિંતા વ્યક્ત કરી હતી કે કોઈ તેમના નામે બોગસ મતો નાખવાનો પ્રયાસ કરી શકે છે. રિટર્નિંગ ઓફિસરએ તેમની વિનંતી મળ્યાની પુષ્ટિ કરી અને કહ્યું હતું કે જરૂર પડ્યે યોગ્ય પગલાં લેવામાં આવશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button