મહાયુતિનો ચૂંટણી ઢંઢેરો: મહિલાઓ માટે વ્યાજમુક્ત લોન અને BEST બસમાં 50 ટકા ભાડામાં રાહતની જાહેરાત

મુંબઈ: ચૂંટણી આવે એટલે ચૂંટણી ઢંઢેરાની મોસમ પણ આવે. તેની સાથે મતદારોને લલચાવવા મોટા-મોટા વચનોની લ્હાણી પણ દરેક રાજકીય પક્ષ કરવા લાગે છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) અને મનસેના ચૂંટણી ઢંઢેરા બાદ હવે મહાયુતિએ પોતાનો ઢંઢેરો બહાર પાડ્યો છે. ઢંઢેરાના કેન્દ્રમાં મરાઠીનો મુદ્દો છે અને મહાયુતિ (ભાજપ, એકનાથ શિંદે શિવસેના, અજિત પવાર એનસીપી)એ મરાઠી ભાષા અને મરાઠી લોકો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકવાનું વચન આપ્યું છે.
ઠાકરે બંધુઓએ મરાઠીનો મુદ્દો ઉઠાવ્યો હોવાથી, મહાયુતિ તેમને મરાઠીના મુદ્દાથી ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. તેવી જ રીતે, વિધાનસભા ચૂંટણીમાં ગેમ-ચેન્જર સાબિત થયેલી લાડકી બહેન યોજનાની જેમ મહાયુતિએ મુંબઈ મહાનગરપાલિકામાં મહિલાઓના મતોને ધ્યાનમાં રાખીને એક મોટું વચન આપ્યું છે. મહાયુતિ મહિલાઓને 5 લાખ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપવાની જાહેરાત કરી છે.
ભૂતકાળમાં પ્રવીણ દરેકરના નેતૃત્વ હેઠળની મુંબઈ બેંક દ્વારા મુંબઈની ‘લાડકી બહેનો’ને એક લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે કેટલીક મહિલાઓએ સારા વ્યવસાયો શરૂ કર્યા હતા. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી કે હવે મહાનગરપાલિકા દ્વારા પ્રિય બહેનોને પાંચ લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ‘ભાજપ-મહાયુતિનો ઢંઢેરો’ બહાર પાડ્યો. આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે, કેન્દ્રીય રાજ્યપ્રધાન રામદાસ આઠવલે, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે, ભાજપના મુંબઈ પ્રમુખ અને ધારાસભ્ય અમિત સાટમ, ભાજપ-મહાયુતિના મુખ્ય નેતાઓ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
મહિલાઓ વ્યાજમુક્ત લોન દ્વારા પોતાનો વ્યવસાય શરુ કરી શકે છે. ફડણવીસે કહ્યું કે અમે તેમની સફર સ્વરોજગારથી સમૃદ્ધિ સુધી અને લાડકી બહેનોથી લખપતિ દીદી સુધી લઈ જઈશું. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મહિલાઓના મત ખૂબ જ નિર્ણાયક રહેશે. એવી ચર્ચા છે કે મહાયુતિએ મોટો દાવ ખેલ્યો છે, કારણ કે મધ્યમ વર્ગના પરિવારોની મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવાનું વચન આપીને તેમનો વિચાર બદલાય તેવી પ્રબળ શક્યતા છે.
આવી જ બીજી મહિલાલક્ષી જાહેરાતમાં મહિલાઓને BEST મુસાફરી પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપવાની ઘોષણા કરવામાં આવી છે. તે સાથે જાહેર સ્થળો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટોપ, ઉદ્યાનો અને હોસ્પિટલો વગેરે પર સુરક્ષા વધારવાની ખાતરી આપવામાં આવી છે.
ઉપરાંત, કચરામુક્ત અને પ્રદૂષણમુક્ત મુંબઈ, રોહિંગ્યામુક્ત અને બાંગ્લાદેશીમુક્ત મુંબઈનું વચન આપવામાં આવ્યું છે. તેવી જ રીતે, મહાયુતિએ ખાતરી આપી છે કે મરાઠી લોકોને સસ્તા દરે આવાસ પૂરા પાડવા માટે યોજનાઓ બનાવવામાં આવશે.



