મુંબઈ મહાનગરપાલિકા માટે શિંદેએ માગી ૧૨૫ બેઠક: ભાજપ-શિંદે સેનામાં બેઠકની વહેંચણીને મુદ્દે નારાજગી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય પક્ષોની બેઠકની વહેંચણીને મુદ્દે બેઠકો ચાલુ થઈ ગઈ છે. મંગળવારે ભાજપ અને શિંદેસેના વચ્ચે મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપે શિંદેસેનાને મહત્ત્વનો પ્રસ્તાવ આપ્યો હતો. શિંદેસેના મુંબઈ મહાનગરપાલિકા માટે ૧૨૫ બેઠક માગી રહી છે. જોકે ભાજપ આટલી બેઠક આપવા તૈયાર ન હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈમાં ૨૦૧૭ની ચૂંટણીમાં સંયુક્ત શિવસેનાએ ૮૪ બેઠક જીતી હતી. એ બાદ અન્ય પક્ષના નગરસેવકો શિવસેનામાં જોડતા પક્ષનું સંખ્યબળ ૯૯ થઈ ગયું હતુંં. આમાંથી અત્યાર સુધી ૪૭ નગરસેવકો શિંદેની સેનામાં જોડાઈ ગયા છે. તો ઉદ્ધવ ઠાકરે પાસે હજી પણ બાવન નગરસેવક બચ્યા છે.
શિવસેનામાં ભંગાણ પડયા બાદ શિંદેની સેનામાં ૪૭ ભૂતપૂર્વ નગરસેવકો જોડાઈ ગયા હતા અને નગરસેવકોના બળ પર જ શિંદેસેના આગામી ચૂંટણી માટે ૧૨૫ સીટ પરથી ચૂંટણી લડવા માગે છે. જોકે ભાજપે શિંદે સેનાને ફકત બાવન બેઠક આપવાની તૈયારી બતાવી હોવાનું કહેવાય છે.
ભાજપે શિંદે સેનાને બાવન બેઠકની ઓફર કરી છે. તેથી શિંદેસેના નારાજ થઈ ગઈ છે. ૨૦૧૨ અને ૨૦૦૭માં જીતેલા નગરસેવકોને ધ્યાનમાં રાખીને શિંદેસેના પાસે લગભગ ૧૦૦ ભૂતપૂર્વ નગરસેવકોની ફોજ છે. આ તમામ લોકોને ટિકિટ આપવા માટે શિંદેને ૧૨૫ બેઠકની આવશ્યકતા છે પણ ભાજપે માત્ર બાવન સીટની ઓફર કરતા શિંદેસેના નારાજ થઈ ગઈ છે.
મુંબઈમાં હજી પણ મરાઠી માણુસના મનમાં ઉદ્ધવ ઠાકરે હોવાનું માનવામાં આવે છે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેએ માત્ર ૨૦ બેઠકો જીતી હતી, તેમાંથી ૧૦ સીટ મુંબઈમાં છે. શહેરમાં ઠાકરેના ત્રણ સાંસદ છે. તેથી મુંબઈમાં ઠાકરેની તાકાત નોંધપાત્ર ગણાય છે. તો તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેનો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ઉદ્ધવ ઠાકરેની સેના સાથે યુતિ કરવાની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેથી મુંબઈમાં તેમની તાકાત વધશે એવું માનવામાં આવે છે. તેથી આ વર્ષની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી અદભુત રહેવાની શક્યતા છે.



