હાશ! આખરે બોરીવલી અને ગોરેગામમાં વોર્ડ ઓફિસરની નિમણૂક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચાર એડમિનિસ્ટ્રેટીવ વોર્ડને ગયે મહિને આસિસ્ટન્ટ કમિશનર મળ્યા બાદ આખરે હવે પી-દક્ષિણ અને આર-સેન્ટ્રલ વોર્ડમાં પણ આસિસ્ટન્ટ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે, જે વોર્ડ ઓફિસર તરીકે પણ ઓળખાય છે. ગોરેગામ અને બોરીવલી વિસ્તારને આવરી લેતા આ વોર્ડમાં હવે વોર્ડ ઓફિસરની નિમણૂકને કારણે લંબાઈ ગયેલા કામ ઝડપથી થશે એવું માનવામાં આવે છે. અત્યાર સુધી મુંબઈ મહાનગરપાલિકાના ૧૪ એડમિનિસ્ટ્રેટીવ વોર્ડમાં વોર્ડ ઓફિસરની જગ્યા ખાલી હોવાથી એક્ઝિક્યુટિવ એન્જિનિયરોને આ વોર્ડની જવાબદારી સોંપવામાં આવી હતી.
પાલિકા પ્રશાસને સોમવારે પી-દક્ષિણ માટે અનિરુદ્ધ કુલકર્ણી અને આર-સેન્ટ્રલ માટે પ્રફુલ તાંબેની નિમણૂકની જાહેરાત કરતો સર્ક્યુલર બહાર પાડ્યો હતો. બંને નિમણૂકો મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનર (એમપીએસસી)ની ભલામણને અનુસરીને કરવામાં આી હતી. આ નિમણૂકો સાથે જોકે હજી બે વોર્ડમાં નિમણૂક થવાની બાકી છે. આ અગાઉ ત્રણ ઓક્ટોબરના બી, સી, એફ-દક્ષિણ અને આર-દક્ષિણ વોર્ડમાં પૂર્ણ સમય માટે વોર્ડ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી હતી.
આ પણ વાંચો: બોરીવલીમાં પાઈપલાઈનમાં ગળતર: પાણીપુરવઠો ખોરવાયો…
જૂન ૨૦૨૧માં પાલિકાએ ૧૪ વોર્ડ ઓફિસરોની ભરતીની જાહેરાત કરી હતી. પરીક્ષા અને દસ્તાવેજોની ચકાસણી પછી અંતિમ યાદી તૈયાર કરવામાં આવી હતી પણ ગેરલાયક ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલી પીટીશનનને પગલે બે વર્ષથી વધુ સમય સુધી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે બાદમાં પાલિકાને શોર્ટ લિસ્ટ કરાયેલા ઉમેદવારોની નિમણૂક કરવાની મંજૂરી આપી હતી. આદેશ છતાં વધુ વિલંબને કારણે અવમાનની અરજી થઈ હતી. બાદમાં એમપીએસસી દ્વારા યાદી જાહેર કરવામાં આવી હતી અને નવેમ્બર ૨૦૨૪માં અપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા અને ગયે મહિને તાલીમ પૂરી થયા બાદ તેમને હવે વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે.



