મુંબઈ ભાજપના અધ્યક્ષ બદલાશે? ફડણવીસના વફાદાર સુનિલ રાણેને મુંબઈ અધ્યક્ષ બનાવવામાં આવે એવી અટકળો…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં જંગી બહુમતી સાથે વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી, એવું લાગે છે કે ભાજપ હવે ઠાકરે જૂથની સત્તાના કેન્દ્ર મુંબઈ મહાનગરપાલિકા પર કોઈપણ સંજોગોમાં કબજે કરવાની તૈયારી કરી રહી છે. આ જ પૃષ્ઠભૂમિમાં મુંબઈના વર્તમાન અધ્યક્ષને હટાવીને નવો ચહેરો લાવવાની હિલચાલ ચાલી રહી હોવાના અહેવાલ છે. એવી જોરદાર અટકળો લગાવવામાં આવી રહી છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નજીકના ગણાતા ભૂતપૂર્વ વિધાનસભ્ય સુનીલ રાણેને મુંબઈ અધ્યક્ષ પદ માટે નોમિનેટ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો : શું વિધાનસભાને વિપક્ષનો નેતા મળશે? અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સકારાત્મક વલણ દાખવ્યું
વિધાનસભાની ચૂંટણી બાદ હવે રાજકીય પક્ષોની નજર મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પર છે. અહેવાલ છે કે ભાજપ અને મહાયુતિને અહેવાલો મળ્યા છે કે વર્તમાન સ્થિતિ અનુકૂળ છે. આ પૃષ્ઠભૂમિમાં ભાજપ હવે મુંબઈ કારોબારીમાં ફેરફાર કરવા આગળ વધી રહ્યું છે. વિધાનસભ્ય આશિષ શેલાર હાલમાં મુંબઈ અધ્યક્ષ છે અને તેમની જગ્યાએ નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. આ જ દૃષ્ટિએ ભૂતપૂર્વ વિધાનસભ્ય સુનીલ રાણેના નામની ચર્ચા થઈ રહી છે.
હાલમાં મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસક હેઠળ છે અને આ પહેલા 2017માં ચૂંટણી થઈ હતી. ત્યારે શિવસેનાએ 84 બેઠકો મેળવી હતી. તે સમયે ભાજપ પાસે 82 બેઠક હતી અને બંનેએ ભેગા મળીને મેયર ચૂંટી કાઢ્યો હતો. હવે શિવસેનાના બે જૂથ છે અને ઠાકરે જૂથે પણ પોતાનો છેલ્લો ગઢ બચાવવાની હિલચાલ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે.
ગયા વખતે મુંબઈ મનપાની ચૂંટણી ભાજપે લડી હતી અને પહેલી વખત ભાજપ 82 નગરસેવક જીતાડી શક્યું હતું. જોકે આ વર્ષે ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ આશિષ શેલારે કહ્યું હતું કે, જો અમને કોઈ જવાબદારી આપવામાં આવશે તો અમે તેને પૂરી કરીશું. જો તેઓ જવાબદારીમાંથી મુક્ત કરશે તો પણ પાર્ટી માટે વધુ અસરકારક રીતે કામ કરીશું.
ભૂતપૂર્વ વિધાનસભ્ય સુનીલ રાણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નજીકના માનવામાં આવે છે. તેમણે આ વર્ષની વિધાનસભા માટે પાર્ટી પાસેથી ટિકિટ માગી હતી. પરંતુ તેમને ટિકિટ મળી ન હતી. જેથી હવે તેમને મોટી જવાબદારી સોંપવામાં આવશે તેવી ચર્ચા છે. સુનીલ રાણેએ કહ્યું હતું કે જો તેમને મુંબઈની જવાબદારી આપવામાં આવશે તો તેઓ ખુશીથી તેને નિભાવશે.
આ પણ વાંચો : રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા:મીરારોડની હિંસા માટે પકડાયેલા ૧૪ ને જામીન…
બીજી તરફ વર્તમાન મુંબઈ અધ્યક્ષે એવો દાવો કર્યો હતો કે આ વર્ષની ચૂંટણીમાં ભાજપ અને મહાયુતિ 185 બેઠકો જીતશે. ગઈ ચૂંટણીમાં ભાજપે શિવસેના સાથે લડીને 82 બેઠકો જીતી હતી. હવે ભાજપ મહાયુતિમાં મોટો ભાઈ છે. તેથી એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી સાથે મળીને મુંબઈ મહાનગરપાલિકામાં 185 બેઠકો જીતશે.