મુંબઈના રસ્તાઓનું કંગાળ કૉક્રીટીકરણ:વિધાનસભામાં મુદ્દો ગાજ્યો, સુધરાઈને ઝાટકી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કરોડો રૂપિયાના ખર્ચે મુંબઈના રસ્તાઓના કૉંક્રીટીકરણના કામ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે શુક્રવારે વિધાનસભામાં રસ્તાના કૉંક્રીટીકરણના કામની ગુણવત્તા, પાલિકાના અધિકારીઓની મનમાની, અધિકારીઓના કૉન્ટ્રેક્ટરો સાથેના સંબંધો અને કામમાં કરોડો રૂપિયાના કૌભાંડો, જેવા અલગ અલગ મુદ્દાઓ પર સત્તાધારી સહિત વિરોધપક્ષના વિધાનસભ્યોએ વિધાનસભાને ગજાવી મૂકી હતી. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આ મુદ્દા પર આવતા અઠવાડિયે તેના ચેમ્બરમાં બેઠક બોલાવી છે.
મુંબઈના ભાજપના વિધાનસભ્ય અતુલ ભાતખલકરે વિધાનસભામાં પ્રશ્રકાળ દરમ્યાન વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે અગાઉની મહાયુતિ સરકારેે શહેરના રસ્તાઓને ખાડામુક્ત બનાવવા રસ્તાના કૉંક્રીટીકરણની ઝુંબેશ શરૂ કરી હતી, પરંતુ પાલિકાએ તેને યોગ્ય રીતે અમલમાં મૂકી નથી.
આ પણ વાંચો : ગોહત્યા અને તસ્કરીના વારંવારના અપરાધીઓ સામે એમસીઓસીએ લાગુ કરવામાં આવશે: દેવેન્દ્ર ફડણવીસ…
કૉંગ્રેસના વિધાનસભ્ય અમીન પટેલે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મુંબઈના વિધાનસભ્યોની એક સમિતિની રચના કરવાની માગણી કરી હતી, તેના જવાબમાં ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે કહ્યું હતું કે વિધાનસભ્યોના મુદ્દાઓ તેઓ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સમક્ષ રજૂ કરશે. કૉંક્રીટાઈઝેશનના કામની ગુણવત્તાને લઈને પાલિકાના ૯૧ એન્જિનિયરોને કારણદર્શાવો નોટિસ પણ ફટકારવામાં આવી છે.
વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આ બાબતે કહ્યું હતું કે તેમના પોતાના મતવિસ્તાર કોલાબામાં બે વર્ષ પહેલા કામનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી તેનું કામ ચાલુ થયું નથી. નવાં ટેન્ડરને પણ છ મહિના થઈ ગયા છે, છતાં હજી સુધી કામ ચાલુ થયું નથી.
અંધેરીના વિધાનસભ્ય અમિત સાટમે કહ્યું હતું કે ૧૯૯૭થી દર વર્ષે રસ્તાઓ પર ૨૧,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવા આવ્યા છે છતાં રસ્તાઓ પર ખાડા પડેલા છે. ઓક્ટોબર ૨૦૨૩માં કૉંક્રીટીકરણ શરૂ થયું હતું, જે હજી પણ ચાલી રહ્યું છે. વિધાનસભા અધ્યક્ષે કહ્યું હતું કે ભૂતકાળમાં શહેરમાં થયેલા રોડ કૌભાંડની તપાસ થઈ હતી તે મુજબ શું ફરી તપાસ જરૂરી છે તેનો સરકારે વિચાર કરવો આવશ્યક છે. સોમવારે તેઓ શિંદે સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા એક બેઠક બોલાવશે. જોકે મીટિંગ પહેલા એ તપાસ કરવી આવશ્યક છે કે મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગની સીટ દ્વારા સિમેન્ટ-કૉંક્રીટીકરણની તપાસ જરૂરી છે.