આમચી મુંબઈ

ભાંડુપ કૉમ્પ્લેક્સમાં નવો ૨,૦૦૦ એમએલડીનો વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ બનશે

આગામી ત્રણ વર્ષમાં પશ્ર્ચિમ ઉપનગર અને શહેરી વિસ્તારમાં પાણીપુરવઠો વધુ સક્ષમ બનશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાંડુપ કૉમ્પ્લેકસમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ૨,૦૦૦ મિલ્યન લિટર પ્રતિ દિવસ (એમએલડી)નો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે અને તે એપ્રિલ, ૨૦૨૯ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ પ્રોજેક્ટ ૪૬ વર્ષ જૂની હાલના જૂના વોટર ફિલ્ટરેશન પ્લાન્ટનું સ્થાન લેશે, જે પાણીના શુદ્ધિકરણની ક્ષમતામાં વધારો કરશે. એ સાથે જ મુંબઈના પશ્ર્ચિમ ઉપનગર અને શહેરી વિસ્તારમાં વધી રહેલી પાણીને માગને પહોંચી વળવા વધુ ઉપયોગી સાબિત થશે.

ભાંડુપ કૉમ્પ્લેક્સ ખાતે આવેલા વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ એશિયાનો સૌથી મોટી પાણી શુદ્ધિકરણ સુવિધા તરીકે ઓળખાય છે,જેની કુલ ક્ષમતા ૨,૮૧૦ એમએલડી છે, જે બે યુનિટનો સમાવેશ થાય છે. હાલમાં અહીં લગબગ ૧,૯૧૦ એમએલડી અને ૯૦૦ એમએલડી પાણી પર પ્રતિદિન પ્રક્રિયા કરીને તેને શુદ્ધ કરવામાં આવે છે.

વધતી માગને પહોંચી વળવા માટે ભાંડુપ કૉમ્પ્લેક્સની અંદર ૭.૪ હેકટરના સ્થળે ૨,૦૦૦ એમએલડીનો નવો પ્લાન્ટ નિર્માણધીન છે. શુક્રવારે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણી અહીં સાઈટ પર કામનું નિરીક્ષણ કર્યું હતું અને કામની સમીક્ષા કરી હતી.

પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં પ્રોજેક્ટ સાઈટ પર માટીનું પરીક્ષણ, ખોદકામ, સાઈટ બેરિકેડિંગ, પાવર લાઈનનું સ્થળાંતરણ અને વૃક્ષારોપણનું કામ ઝડપી બન્યું છે. સિવિલ બાંધકામની સાથે સાથે જ મેકેનિકલ, ઈલેક્ટ્રિકલ અને ઈક્વિપમેન્ટ સંબધિત કામ એક સાથે કરવામાં આવી રહ્યા છે.

પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે શહેરના સતત વિકાસ, વધતી વસતી અને ઝડપી શહેરીકરણને ધ્યાનમાં રાખીને લાંબા ગાળે પાણી પુરવઠા સિસ્ટમનું આયોજન કરવું જરૂરી છે. નવી ટેક્નોલોજી અપનાવીને અને મજબૂત માળખાગત સુવિધાઓ સાથે પાલિકા મુંબઈના નાગરિકો માટે પાણીની માગણી અને પુરવઠા વચ્ચેના અંતરને દૂર કરવાના પ્રયાસ કરી રહી છે.

આ પ્રોજેક્ટમાં લગભગ ૧,૨૩૨ વૃક્ષો કાપવામાં આવવાના છે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ભાંડુપ કૉમ્પ્લેક્સની અંદર ૪૩૮ વૃક્ષને ફરી વાવેતર કરવામાં આવવાનું છે. જયારે બાકીના ૮૩૫ વૃક્ષોની બદલામાં તાનસા તળાવ વિસ્તારમાં ૧૧,૪૪૩ નવા વૃક્ષનું વાવેતર કરવામાં આવશે.

નોંધનીય છે હાલ ભાંડુપ કૉમ્પ્લેક્સમં રહેલો વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ ૪૬ વર્ષ જૂનો છે. અહીં પાણીના શુદ્ધીકરણ માટે સિસ્ટમ છે, તેમાંથી એક સિસ્ટમમાં તાનસા-વૈતરણા સિસ્ટમ દ્વારા તાનસા, મોડક સાગર અને મિડલ વૈતરણા અને અપર વૈતરણા જળાશયમાંથી પાણી પાઈપલાઈનથી ગુરુત્વાકર્ષણને આધારે ભાંડુપ કૉમ્પ્લેક્સમાં લાવવામાં આવે છે. અહીં જૂના અને નવા ફિલ્ટરેશન પ્લાન્ટમાં પાણી પર શુદ્ધીકરણની પ્રક્રિયા કરવામાં આવે છેે. દરરોજ અહીં લગભગ ૨,૬૦૦ મિલ્યન લિટર પાણી જુદા જુદા ઠેકાણે રહેલા સર્વિસ રિર્ઝવિયર મારફત મુંબઈગરાના ઘર સુધી પહોંચાડવામાં આવે છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button