ચોપાટી પર ‘સ્ટિંગ રે’ અને ‘બ્લુ જેલીફિશ’નું જોખમ…
ગણેશવિસર્જનમાં ભક્તોને સાવધાન રહેવાની અપીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના દરિયા કિનારા પર ‘સ્ટિંગ રે’ અને ‘બ્લુ જેલીફિશ’ માછલીનું જોખમ ઊભું થયું છે. તેથી આજથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવ દરમ્યાન પોતાની ગણેશમૂર્તિના વિસર્જન માટે દરિયા કિનારા પર આવનારા ગણેશભક્તોને સાવધાન રહેવાની અપીલ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.
ચોમાસામાં ઑગસ્ટથી ઑક્ટોબર દરમ્યાન બ્લુ બટન જેલીફિશ અને સ્ટિંગ રે પ્રજાતિની માછલીઓ મુંબઈના દરિયાકિનારા પર મોટી સંખ્યામાં આવતી હોય છે અને છીછરા પાણીમાં એટલે કે કિનારા પાસે રહેતી હોય છે.
જો કોઈ માસણ કિનારા પાસે જાય તો આ માછલીઓ પગમાં ડંખ મારે છે અને તે ઝેરી હોવાથી ભક્તોને તેનો ત્રાસ થઈ શકે છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ વિર્સજન સ્થળો પર શું તકેદારી રાખવી તે માટે ગાઈડલાઈન બહાર પાડી છે.
પાલિકા પ્રશાસનના જણાવ્યા મુજબ મુંબઈની કિનારપટ્ટી એક સુરક્ષિત કિનારપટ્ટી છે. દરિયા કિનારા પર પાણી પ્રવાહ ધીમો હોય છે. તેથી જેલીફિશ જેવા જળચરો માટે અહીં મોટા પ્રમાણમાં ખાદ્ય તૈયાર થતો હોય છે. તેથી આ સમયગાળા દરમ્યાન બ્લૂ બટન જેલી જેવા જળચરો મોટી સંખ્યામાં આવતા હોય છે.
કિનારા પર પાણીનો પ્રવાહ ઓછો હોવાની સાથે જ જગ્યા સંરક્ષિત હોવાથી કિનારા પર રહેલી માટીમાં ‘સ્ટીંગ રે’ પણ મોટા પ્રમાણમાં આવતી હોય છે. તેથી ગણેશભક્તો અને પર્યટકોને આ સમયગાળા દરમ્યાન સાવધાની રાખવાની રહેશે.
પાલિકાના આરોગ્ય ખાતાએ બહાર પાડેલી ગાઈડલાઈન મુજબ ગણેશવિસર્જન દરમ્યાન ભક્તોએ પોતાની મૂર્તિનું વિસર્જન પાલિકાએ નીમેલા લાઈફગાર્ડ અને પાલિકાની યંત્રણા મુજબ જ કરવું.
ગણેશ વિસર્જન દરમ્યાન ભક્તોએ ખુલ્લા શરીરે દરિયામાં પ્રવેશ કરવો નહીં. પગમાં માછલીઓ ડંખ મારે નહીં તે માટે ગમબુટનો ઉપયોગ કરવો.
તેમ જ તમામ ગણેશભક્તોએ ચોપાટી પર ઉપલબ્ધ રહેલી પાલિકાની ગણેશોત્સવ સિસ્ટમનો ઉપયોગ કરવો અને વિસર્જન સ્થળ પર લાઉડસ્પીકર પર કરવામાં આવતી ઘોષણાને ધ્યાનથી સાંભળવું. તેમ જ નાના બાળકોને પાણીમાં લઈ જવા નહીં.
જેલીફિશ ડંખ મારે તો શું કરવું?
માછલીઓ ડંખ મારે તો ચોપાટીઓ પર ઊભા કરવામાં આવેલા મેડિકલ રૂમમાં તરત ભક્તોએ પહોંચી જવું. ત્યાં ૧૦૮ નંબરની ઍમ્બ્યુલ્સની સુવિધા ઉપલબ્ધ છે. સ્ટીંગ રે ડંખ મારે તે જગ્યાએ ચટકો લાગે એવો અનુભવ થાય. તેમ જ જેશીફિશના ડંખને કારણે મોટા પ્રમાણમાં તે જગ્યાએ ખંજવાળ ચાલુ થઈ જાય.
બંને માછલીઓ ડંખ મારે તો નાગરિકો ગભરાઈ નહીં જતા તાત્કાલિક નજીક આવેલા પ્રથમોચાર કેન્દ્રમાં અથવા હૉસ્પિટલમાં જઈને પ્રથમોપચાર કરાવવો.
જેલીફિશના ડંખવાળા ટેન્ટેકલ્સ કાળજીપૂર્વક દૂર કરવા. જેલીફિશે જયાં ડંખ માર્યો હોય તે જખમને ખંજવાળવી નહીં અને જયાં તેણે ડંખ માર્યો હોય તે જગ્યાને સ્વચ્છ પાણીથી ધોઈ કાઢવી અને તે જગ્યાએ બરફ લગાવવો.