અંધેરીમાં દુકાનમાંથી 150 ઘડિયાળ, 10 મોબાઇલ ચોરનારા ચાર પકડાયા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અંધેરીમાં દુકાનમાંથી 150 ઘડિયાળ, 10 મોબાઇલ ચોરનારા ચાર પકડાયા

મુંબઈ: અંધેરી વિસ્તારમાં દુકાનનાં તાળાં તોડીને વિવિધ કંપનીની 150 ઘડિયાળ, 10 મોબાઇલ તથા રોકડ ચોરનારી ટોળકીના ચાર સભ્યને પોલીસે પકડી પાડ્યા હતા.

અંધેરી પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ મોઇનુદ્દીન નઝીમ શેખ, સાબીર મુસ્તફા શેખ, અમરુદ્દીન અલીહસન શેખ અને પ્રભુ ભાગલુ ચૌધરી તરીકે થઇ હતી. આમાંથી ત્રણ જણ ઝારખંડના, જ્યારે એક પશ્ર્ચિમ બંગાળનો વતની છે.

આ પણ વાંચો: પરેલમાં ઝવેરીના 4.07 કરોડ રૂપિયાના દાગીના ચોરી ફરાર થયેલા કર્મચારી સહિત ત્રણ પકડાયા

અંધેરી પૂર્વમાં મેટ્રો સ્ટેશન પાસે આવેલી અરિહંત મોબાઇલ એન્ડ સેલ્સ સર્વિસીસ નામની દુકાનમાં 7 સપ્ટેમ્બરે રાતે ચોરી થઇ હતી. દુકાનનાં તાળાં તોડીને ઘૂસેલા ચોર ઘડિયાળો, મોબાઇલ તેમ જ રોકડ ચોરી ફરાર થયા હતા. દુકાનના માલિકે આ પ્રકરણે અંધેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરાયો હતો.

પોલીસે સતત દસ દિવસ સુધી ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરીને મળેલી માહિતીને આધારે મુંબ્રાથી એક આરોપીને પકડી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં તેના ત્રણ સાથીદારોનાં નામે સામે આવ્યાં હતાં અને તેમને પણ બાદમાં તુર્ભે અને ડોંગરી વિસ્તારમાંથી તાબામાં લેવામાં આવ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button