આમચી મુંબઈ

400 મીટરને અંતરે આવેલી હોટેલ સુધી લઈ જવાના 18,000 રૂપિયા!

મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટથી માત્ર 400 મીટરના અંતરે આવેલી હોટેલમાં પહોંચાડવા માટે અમેરિકન પર્યટક પાસેથી અધધધ 18,000 રૂપિયા વસૂલનારા ટૅક્સી ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી હતી.

મુંબઈના ટ્રાફિકમાં આવી મોંઘી સવારી અંગે પર્યટકે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

સહાર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ દેશરાજ યાદવ (50) તરીકે થઈ હતી. યાદવે અમેરિકાથી આવેલી મહિલા પર્યટકને પોતાની ટૅક્સીમાં બેસાડી ઍરપોર્ટ નજીકની ફાઈવ સ્ટાર હોટેલમાં છોડી હતી.

આપણ વાચો: ઓલા-ઉબરને ટક્કર: અમદાવાદ-ગાંધીનગરમાં ‘ભારત ટૅક્સી’ના શ્રીગણેશના સંકેત, મુસાફરોને સસ્તું ભાડું મળશે!

મહિલાએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકી ટૅક્સી ડ્રાઈવરે કરાવેલી મોંઘી સવારીના અનુભવને શૅર કરતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી.

હાલમાં જ મુંબઈ પહોંચ્યા પછી હિલ્ટન હોટેલ્સ માટે ટૅક્સીમાં બેઠી હતી. ડ્રાઈવર અને તેનો સાથી અમને પહેલાં અજાણ્યા સ્થળે લઈ ગયા હતા. અમારી પાસેથી ભાડા પેટે 200 ડૉલર (18,000 રૂપિયા) વસૂલીને પછી હોટેલ છોડ્યા હતા.

આ અંતર માત્ર 400 મીટર જેટલું હતું. ટૅક્સી નંબર: એમએચ 01 બીડી 5405, આવી પોસ્ટ આર્જેન્ટિના અરિયાનોએ એક્સ પર મૂકી હતી.

પોસ્ટ પર ધ્યાન જતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. જાતે જ ફરિયાદ નોંધીને પોલીસે ગણતરીના કલાકોમાં યાદવને પકડી પાડ્યો હતો. જોકે વિદેશી પર્યટકનો સંપર્ક થયો નહોતો.

તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ પર્યટકને અંધેરી પૂર્વમાં 20 મિનિટ સુધી ટૅક્સીમાં ફેરવી હતી. પછી એ જ માર્ગે પાછા ફરી હોટેલમાં છોડી હતી, જ્યાં તેણે આટલી મોટી રકમ વસૂલી હતી.

પોલીસ યાદવના સાથીની શોધ ચલાવી રહી છે. આ પ્રકરણે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. પોલીસે યાદવનું લાઈસન્સ કૅન્સલ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button