મુંબઈ એરપોર્ટ પર પાંચ કરોડ રૂપિયાનો ગાંજો પકડાયો: સુરતના યુવક સહિત બેની ધરપકડ...

મુંબઈ એરપોર્ટ પર પાંચ કરોડ રૂપિયાનો ગાંજો પકડાયો: સુરતના યુવક સહિત બેની ધરપકડ…

મુંબઈ: કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) મુંબઈ એરપોર્ટ પર પાંચ કરોડ રૂપિયાથી વધુની કિંમતનો દાણચોરીનો ગાંજો પકડી પાડ્યો હતો અને આ પ્રકરણે સુરતના યુવક સહિત બે જણની ધરપકડ કરી હતી.

એઆઇયુના અધિકારીઓએ ધરપકડ કરેલા બંને જણની ઓળખ સુરતના કતારગામ, સિંગણપોર ખાતે રહેતા હાર્દિક પ્રાગજીભાઇ ભદાણી (24) અને દિલ્હીના રહેવાસી મોહંમદ સામી (23) તરીકે થઇ હતી. બંનેને સ્થાનિક અદાલતમાં હાજર કરાતાં તેમને જુડિશિયલ કસ્ટડી ફટકારવામાં આવી હતી. હાર્દિક ભદાણીના વકીલ તરીકે અરુણ ગુપ્તા અને આશિષ સિંહ કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે દલીલ કરી હતી.

બૅંગકોક ખાતેથી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં શનિવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા હાર્દિક ભદાણીને એઆઇયુના અધિકારીઓએ શંકાના આધારે આંતર્યો હતો. તેના સામાનની તલાશી લેવામાં આવતાં છ વેક્યુમ સીલ્ડ પેકેટ્સમાંથી 2.87 કરોડ રૂપિયાની કિંમતનો 2873 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. આથી હાર્દિક ભદાણી સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી.

દરમિયાન બૅંગકોકથી ફ્લાઇટમાં રવિવારે મુંબઇ એરપોર્ટ પર આવેલા મોહંમદ સામીની 2.39 કરોડ રૂપિયાની કિંમતના ગાંજા સાથે ધરપકડ કરાઇ હતી. સામીની અંગત તલાશીમાં કશું મળ્યું નહોતું, પણ તેની ટ્રોલી બેગમાં આઠ ફૂડ પેકેટ, બે સ્નેક બોક્સ તથા છ સિગારેટ પેકેટ્સમાં એરટાઇટ પ્લાસ્ટિકના પેકેટમાંથી ગાંજો મળી આવ્યો હતો.

સામીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે 4 ઑગસ્ટે દિલ્હીના શહજાદ નામના શખસે તેને બૅંગકોકથી ટ્રોલી બેગ લાવવા માટે કહ્યું હતું, જેની વિમાન ટિકિટની વ્યવસ્થા પણ કરી આપી હતી. બેગ મુંબઈમાં લાવીને સોંપાતા પચાસ હજાર રૂપિયા તથા અન્ય ખર્ચ આપવાનું તેને આશ્ર્વાસન અપાયું હતું.

આ પણ વાંચો…બેંગકોકથી આવેલો પ્રવાસી મુંબઈ એરપોર્ટ પર 14.5 કરોડના ગાંજા સાથે પકડાયો

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button