મુંબઈ એરપોર્ટ પર 5.10 કરોડ રૂપિયાનું સોનું પકડાયું: બે જણની ધરપકડ…

મુંબઈ: કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (એઆઇયુ)ના અધિકારીઓએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 5.10 કરોડ રૂપિયાની કિંમતનું સોનું પકડી પાડીને બે જણની ધરપકડ કરી હતી. બંને જણે સોનું આંતરવસ્ત્ર અને જેકેટમાં છુપાવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પકડાયેલા બંને આરોપીની ઓળખ નીતિન દશરથ ઇંગળે અને હર્ષલ અનિલ ખરાત તરીકે થઇ હતી. ધરપકડ બાદ બંનેને સ્થાનિક અદાલતમાં હાજર કરાતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારાઇ હતી. એઆઇયુના અધિકારીઓએ શનિવારે એરપોર્ટના ડિપાર્ચર એરિયામાં હર્ષલ ખરાતને શંકાને આધારે આંતર્યો હતો. લાઉન્જમાં કામ કરતા ખરાતની તલાશી લેવામાં આવતાં છ પાઉચ મળી આવ્યાં હતાં, જેમાં મીણમાં છુપાવેલું 2.48 કરોડનું હતું. તેને ટ્રાન્ઝિટના પ્રવાસી દ્વારા આ સોનું સોંપાયું હતું અને એરપોર્ટ બહાર અન્ય વ્યક્તિને પહોંચાડવાનું કહેવામાં આવ્યું હતું.
દરમિયાન એરપોર્ટ પર કોન્ટ્રાક્ટના ધોરણે કામ કરનારા નીતિન ઇંગળેને પણ શનિવારે ડિપાર્ચર એરિયા ખાતે સ્ટાફ એક્ઝિટ પોઇન્ટ નજીક આંતરવામાં આવ્યો હતો. તેની પાસેથી પણ પાઉચમાં છુપાવેલું 2.62 કરોડનું સોનું મળી આવ્યું હતું. ઇંગળેને આ સોનું કોણે આપ્યું હતું અને તે કઇ વ્યક્તિ સુધી સોનું પહોંચાડવાનો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.
આપણ વાંચો : મુંબઈ એરપોર્ટ પર અઢી કરોડનું સોનું-હીરા જપ્ત: ત્રણ પ્રવાસીની ધરપકડ