મુંબઈ એરપોર્ટ પર ચાર દિવસમાં રૂ. 6.03 કરોડનું સોનું પકડાયું
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે છેલ્લા ચાર દિવસમાં સોનાની દાણચોરીના 12 કેસ પકડી પાડ્યા હતા. અધિકારીઓએ 11થી 14 એપ્રિલ એરપોર્ટ પરથી રૂ. 6.03 કરોડની કિંમતનું 10.02 કિલો સોનું જપ્ત કર્યું હતું અને અમુક પ્રવાસીની ધરપકડ કરી હતી. મીણમાં ગોલ્ડ ડસ્ટ, ક્રૂડ જ્વેલરી અને સોનાની લગડીઓ પ્રવાસીઓ પોતાના સામાનમાં, શરીરમાં છુપાવીને લાવ્યા હતા.
પ્રથમ કિસ્સામાં ત્રણ વિદેશી નાગરિકો નાઇરોબીથી ફ્લાઇટમાં મુંબઇ આવ્યા હતા, જેમની બેગમાં 44 સોનાની લગડીઓ મળી આવી હતી. એ જ પ્રમાણે દુબઇથી ત્રણ, શાહજાહથી બે અને અબુ ધાબીથી આવેલા છ ભારતીય પ્રવાસીઓ પેટમાં, શરીરમાં અને આંતરવસ્ત્રોમાં 2670 ગ્રામ સોનું છુપાવીને લાવ્યા હતા.
અન્ય કેસમાં દમામથી આવેલો ભારતીય પ્રવાસી 14 સોનાની કાપેલી લગડીઓ પેટમાં છુપાવીને લાવ્યો હતો, જ્યારે જેદ્દાહથી બેંગકોક પ્રવાસ કરી રહેલા બે ભારતીય પ્રવાસીઓના ગુપ્તાંગમાં અને શરીરમાં 1379 ગ્રામ સોનું છુપાવીને લાવ્યા હતા.