Top Newsઆમચી મુંબઈ

દિલ્હી પછી મુંબઈનો વારો: ATC ખામીથી સેંકડો ફ્લાઇટ્સ મોડી, પ્રવાસીઓ પરેશાન…

મુંબઈઃ દિલ્હીના એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા આજે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હવાઈ ટ્રાફિકમાં મોટો વિક્ષેપ પડ્યો હતો. ફ્લાઇટ ડેટા ટ્રાન્સમિશનને સપોર્ટ કરતી ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમ (AMSS)માં ખામી સર્જાવવાના કારણે ભારતના સૌથી વ્યસ્ત એર કોરિડોર મુંબઈથી દિલ્હી સુધીની ફ્લાઇટમાં ભારે વિલંબ થયો હતો અને ઘણી ટિકિટ કેન્સલ થઈ હતી. દિલ્હીમાં 300થી વધુ ફ્લાઈટ્ને અસર થવાની સાથે મુંબઈ સુધી રેલો પહોંચ્યો છે.

એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું હતું કે AMSS ખામીને કારણે આંશિક મેન્યુઅલ કામગીરી થઈ હતી, જેના પરિણામે બેંગલુરુ, હૈદરાબાદ અને પુણે સહિતના મુખ્ય એરપોર્ટ પર ફ્લાઇટના સમયપત્રક પર ભારે અસર થઈ હતી. ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટ જેવી ટોચની એરલાઇન્સના ચેક-ઇન કાઉન્ટર પર ભારે વિલંબ, ભીડ અને લાંબી કતારો જોવા મળી હતી. ફ્લાઇટ રદ કરવાની જાહેરાત કરવામાં આવી નહોતી, તેથી એરલાઇન સ્ટાફને મુસાફરોની વધતી જતી ભીડને નિયંત્રિત કરવામાં મુશ્કેલી પડી રહી હતી.

મીડિયા અહેવાલ મુજબ વહેલી સવાર સુધીમાં 200થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી અને ડઝનેક રદ કરવામાં આવી હતી. એક ફ્લાયરે X પર પોસ્ટ કર્યું હતું “210 વિમાન પ્રસ્થાન માટે લાઈનમાં છે. જો તમે ઉડાન ભરી રહ્યા છો, તો લાંબા વિલંબ માટે તૈયાર રહેજો. જો વૃદ્ધ માતાપિતા મુસાફરી કરી રહ્યા હોય, તો ફરીથી શેડ્યૂલ કરવું વધુ સારું છે.” ઘણા લોકો એર ઇન્ડિયા એક્સપ્રેસ વિમાનમાં 90 મિનિટથી વધુ સમય માટે ક્લિયરન્સની રાહ જોતા ટાર્મેક પર ફસાયેલા હતા.

મુંબઈના ફ્લાયર ધીરજ, જેમની એર ઇન્ડિયા ફ્લાઇટ AI1895 રાત્રે 9:30 વાગ્યે હતી, તેણે લખ્યું હતું કે હું આજે રાત્રે દિલ્હી જઈ રહ્યો હતો પરંતુ એર ઇન્ડિયા દ્વારા અચાનક ફ્લાઇટ રદ કરવામાં આવી. ફ્લાઇટ MakeMyTrip પર બુક કરવામાં આવી હતી અને તેમણે એરલાઇન સાથે સંકલન કરવાનું કહીને હાથ ખંખેરી નાખ્યા. ઘણી સમજાવટ પછી તેમણે મને બીજી ફ્લાઇટમાં બેસાડવાની ખાતરી આપી.

બીજા પ્રવાસીએ X પર પોસ્ટ કર્યું, “હું પ્લેટિનમ સભ્ય છું અને અહીં મુંબઈ માટેની ફ્લાઇટની રાહ જોઈ રહ્યો હતો અને ગ્રાઉન્ડ સ્ટાફના ગેરવહીવટને કારણે મારી ફ્લાઇટ ચૂકી ગયો. નવી દિલ્હીથી મુંબઈ AI 1785 સીટ 2A, કૃપા કરીને મારું ભાડું પરત કરો.

ઈન્ડિગોની ફ્લાઇટ 6E615 (મુંબઈ-દિલ્હી)માં રહેલા યુટ્યુબર એલ્વિશ યાદવે નારાજગી વ્યક્ત કરતા X પર પોસ્ટ લખી હતી ઈન્ડિગો એરલાઈન્સ સાથેનો નિરાશાજનક અનુભવ! ફ્લાઇટ 6E0615 બપોરે 1 વાગ્યે ઉપડવાની હતી, પરંતુ તે ફરીથી મોડી પડી છે અને 3:35 વાગ્યે ઉપડી રહી છે! આટલું ખરાબ સંચાલન અને મુસાફરોના સમયની કોઈ કિંમત નહીં!”

એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ATC કામગીરીને અસર કરતી AMSS સિસ્ટમ સમસ્યા ઉકેલાઈ રહી છે, અને સિસ્ટમ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી દિલ્હી અને ઉત્તરીય ક્ષેત્રના કેટલાક એરપોર્ટ પર એરલાઇન્સમાં વિલંબ રહેશે. પ્રવાસીઓને મુસાફરી કરતા પહેલા ફ્લાઇટની સ્થિતિ તપાસવાની અને ઔપચારિકતાઓ માટે એરપોર્ટ પર વહેલા પહોંચવાની સલાહ આપી હતી. ઇન્ડિગોએ એડવાઈઝરી જારી કરીને મુસાફરોને ખાતરી આપી હતી કે તેનો ગ્રાઉન્ડ સ્ટાફ કાઉન્ટર અને બોર્ડિંગ ગેટ પર મુસાફરોને મદદ કરી રહ્યો છે.

આ પણ વાંચો…દિલ્હી એરપોર્ટમાં ATC સિસ્ટમ ખોરવાઈ, 300 ફ્લાઇટ્સ પ્રભાવિત થતા પ્રવાસીઓ પરેશાન…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button