મુંબઈ એરપોર્ટ પર 43 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત: પાંચ પ્રવાસીની ધરપકડ

મુંબઈ: કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 43 કરોડ રૂપિયાનો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો જપ્ત કરીને પાંચ પ્રવાસીની ધરપકડ કરી હતી. પાંચેય પ્રવાસી બૅંગકોકથી અલગ અલગ ફ્લાઇટમાં આવ્યા હતા.
કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે બુધવાર રાતથી ગુરુવાર દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બેંગકોકથી આવેલા ત્રણ પ્રવાસીને આંતર્યા હતા.
આપણ વાચો: એનસીબીએ અહમદનગરમાંથી 111 કિલો ગાંજો જપ્ત કર્યો: ચાર તસ્કરની ધરપકડ
ત્રણેય પ્રવાસીના સામાનની તલાશી લેવામાં આવતાં 33.88 કરોડ રૂપિયાનો 33.888 કિલો ગાંજો મળી આવ્યો હતો. આથી પ્રવાસીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
દરમિયાન બેંગકોકથી થાઇ એરવેઝની ફ્લાઇટમાં મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચેલા અન્ય બે પ્રવાસીના સામાનમાં છુપાવવામાં આવેલો 9.01 કરોડ રૂપિયાનો ઉચ્ચ ગુણવત્તાંનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રવાસીઓએ બેંગકોકમાં ગાંજો કોની પાસેથી મેળવ્યો હતો અને મુંબઈમાં તે કઇ વ્યક્તિઓ સુધી પહોંચાડવાનો હતો, તેની તપાસ કરવામાં આવી રહી છે.



