આમચી મુંબઈ

બિસ્કિટ અને ચૉકલેટનાં બૉક્સમાંથી કોકેન જપ્ત: દોહાથી આવેલી મહિલાની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર દોહાથી આવેલી મહિલાની ધરપકડ કરી ડિરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટલિજન્સે (ડીઆરઆઈ) અંદાજે 62 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું હતું. પાલઘર જિલ્લામાં રહેતી આરોપી મહિલાએ ડ્રગ્સ ભરેલી 300 કૅપ્સ્યૂલ્સ બિસ્કિટ અને ચૉકલેટનાં બૉક્સમાં સંતાડી હતી.

ડીઆરઆઈએ પકડી પાડેલી મહિલાની ઓળખ પૂજા લવપ્રીત લાલ (42) તરીકે થઈ હતી. પાલઘરના જુચંદ્ર ખાતે રહેતી પૂજા સોમવારના મળસકે ત્રણ વાગ્યાની આસપાસ ફ્લાઈટમાં દોહાથી મુંબઈ ઍરપોર્ટ પહોંચી હતી.

આ પણ વાંચો: 8.66 કરોડનું કોકેન ભરેલી કૅપ્સ્યૂલ્સ ગળીને આવેલો વિદેશી નાગરિક એરપોર્ટ પર પકડાયો

મળેલી માહિતીને આધારે અધિકારીઓએ મહિલાને રોકી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. મહિલા પાસેની બૅગની તપાસ કરવામાં આવતાં તેમાંથી બિસ્કિટનાં છ અને ચૉકલેટનાં ત્રણ બૉક્સ મળી આવ્યાં હતાં. નવેનવ બૉક્સ ખોલી અધિકારીઓએ તપાસ કરી હતી.

બૉક્સમાંથી 300 કૅપ્સ્યૂલ્સ મળી આવી હતી, જેમાં સફેદ પાઉડર ભરવામાં આવ્યો હતો. અધિકારીઓએ ફીલ્ડ ટેસ્ક કિટની મદદથી પાઉડરની ચકાસણી કરતાં તે કોકેન ડ્રગ હોવાનું જણાયું હતું. અંદાજે 62 કરોડ રૂપિયાનું છ કિલોથી વધુ કોકેન જપ્ત કરી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર 21.78 કરોડના કોકેન સાથે વિદેશી મહિલાની ધરપકડ…

મહિલા વિરુદ્ધ એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓને શંકા છે કે ભારતમાં કોકેનની હેરફેર કરતી મોટી સિન્ડિકેટ સાથે મહિલા સંડોવાયેલી છે. ઍરપોર્ટ બહાર કોકેન કાઢ્યા પછી મહિલાને સારીએવી રકમનું કમિશન મળવાનું હતું. જપ્ત કરાયેલું ડ્રગ્સ મહિલા કોને આપવાની હતી તેની તપાસ અધિકારીઓ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button