આમચી મુંબઈ

પત્ની સાથેના ઝઘડાનો ગુસ્સો ઍરપોર્ટ પર બ્લાસ્ટની ધમકી આપી ઉતાર્યો: પતિ પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પત્ની સાથે થયેલા ઝઘડા બાદ ગુસ્સામાં પતિએ પોલીસ કંટ્રોલ રૂમને કૉલ કરી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર બૉમ્બ બ્લાસ્ટની ધમકી આપી ઉતાર્યો હોવાની આંચકાજનક ઘટના સામે આવી હતી. પોલીસે મોબાઈલ લૉકેશનને આધારે પતિને પકડી પાડ્યો હતો.

એમઆઈડીસી પોલીસના જણાવ્યા મુજબ આરોપીની ઓળખ મનજીત કુમાર ગૌતમ (35) તરીકે થઈ હતી. વધુ કાર્યવાહી માટે આરોપીને આઝાદ મેદાન પોલીસના તાબામાં સોંપાયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ મંગળવારની સવારે નવ વાગ્યે આરોપીએ પોલીસના મેઈન કંટ્રોલ રૂમને કૉલ કર્યો હતો. બૉમ્બ બ્લાસ્ટથી ઍરપોર્ટ ઉડાવી દેવાની ધમકી આરોપીએ આપી હતી.

આ પણ વાંચો: નાગપુરમાં પત્ની સાથે વિવાદ થયા બાદ પતિએ સસરાને મોતને ઘાટ ઉતારી દીધો

ધમકીભર્યા કૉલને ગંભીરતાથી લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. ઍરપોર્ટ પર તપાસ કરવાની સાથે પોલીસે જે નંબર પરથી કૉલ આવ્યો હતો તેને ટ્રેસ કર્યો હતો. ફોન સાકીનાકા પરિસરમાંથી આવ્યો હોવાનું તપાસમાં જણાતાં સાકીનાકા અને નજીકના એમઆઈડીસી પોલીસને જાણ કરાઈ હતી.

એમઆઈડીસી પોલીસની ટીમ સાકીનાકાના ખૈરાની રોડ ખાતે પહોંચી ત્યારે આરોપીનો મોબાઈલ સ્વિચ ઑફ્ફ આવતો હતો. પોલીસે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી આરોપીની તસવીર અને નામ મેળવ્યું હતું. આરોપીને એક ગાર્મેન્ટ કંપનીમાંથી તાબામાં લેવાયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે પત્ની સાથે સવારમાં જોરદાર ઝઘડાને કારણે આરોપીના મનમાં ગુસ્સો હતો. ગુસ્સામાં જ તેણે પોલીસને ફોન કર્યો હોવાનું કહેવાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button