મુંબઈ-અમદાવાદ ફ્લાઈટ અને ઍરપોર્ટ પર બૉમ્બની ધમકી...
આમચી મુંબઈ

મુંબઈ-અમદાવાદ ફ્લાઈટ અને ઍરપોર્ટ પર બૉમ્બની ધમકી…

થાણે: મુંબઈ-અમદાવાદ ફ્લાઈટ અને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર બૉમ્બ બ્લાસ્ટની કથિત ચેતવણી આપતા ફોન કૉલ્સ નવી મુંબઈ પોલીસને આવતાં તપાસ હાથ ધરાઈ હતી. સઘન તપાસ છતાં કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગતાં નવી મુંબઈ પોલીસે કૉલ કરનારા શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

સીબીડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે બન્ને કૉલ્સ બુધવારે નવી મુંબઈના જૉઈન્ટ પોલીસ કમિશનરની ઑફિસમાં આવ્યા હતા. પહેલો કૉલ બપોરે બે વાગ્યે આવ્યો હતો, જેમાં ફોન કરનારા શખસે મુંબઈ-અમદાવાદ ફ્લાઈટમાં બૉમ્બ પ્લાન્ટ કરાયાની માહિતી આવી હતી.

અડધા કલાક પછી બપોરે અઢી વાગ્યે આવેલા બીજા કૉલમાં શખસે સાંજે સાડાછ વાગ્યે મુંબઈના આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ધડાકા થવાની ચેતવણી આપી હતી. બૉમ્બની માહિતીને પગલે પોલીસ અને બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડે (બીડીડીએસ) વિમાન અને ઍરપોર્ટ પર તપાસ કરી હતી. કલાકોની તપાસ પછી પણ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. આ પ્રકરણે સીબીડી પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

તપાસ દરમિયાન પોલીસે જે નંબર પરથી કૉલ્સ આવ્યા હતા તેને ટ્રેસ કર્યો હતો. આ પ્રકરણે પોલીસ વધુ પૂછપરછ કરી રહી હોવાથી ગુરુવારની મોડી સાંજ સુધી કોઈની પણ ધરપકડ કરાઈ નહોતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button