વિદેશ જઈ રહેલી બહેન સાથે બનાવટી ટિકિટની,મદદથી ઍરપોર્ટમાં પ્રવેશેલા બે ભાઈની ધરપકડ

મુંબઈ: દોહા જઈ રહેલી બહેન સાથે બનાવટી ટિકિટની મદદથી ઍરપોર્ટમાં પ્રવેશેલા બે ભાઈની પોલીસે ધરપકડ કરી હતી.
સહાર પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ ફૈઝલ બાલવા (34) અને ફૈઝાન બાલવા (27) તરીકે થઈ હતી. દોહા જઈ રહેલી બહેન પહેલી વાર ફ્લાઈટમાં બેસતી હોવાથી તેની સુરક્ષાની ખાતરી કરવા બન્ને ભાઈ ઍરપોર્ટ આવ્યા હતા.
પોલીસ ફરિયાદ અનુસાર રવિવારની બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ઍરપોર્ટના ડિપાર્ચર ગેટ નંબર-3થી બન્ને ભાઈ બહાર જઈ રહ્યા હતા. ગેટ પર ફરજ બજાવી રહેલા સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના અધિકારી શંકાને આધારે તેમને રોક્યા હતા. બન્ને પાસે વિસ્તારા ઍરલાઈન્સની ફ્લાઈટની મુંબઈથી દોહાની ટિકિટ હતી. જોકે ટિકિટ હોવા છતાં ફ્લાઈટ શા માટે ન પકડી એ સવાલનો બન્ને જણ સંતોષજનક જવાબ આપી શક્યા નહોતા.
શંકા જતાં અધિકારીએ ઍરલાઈન્સના સ્ટાફને જાણ કરી હતી. બન્ને પાસેથી મળેલી ટિકિટ ઍરલાઈન્સના ડેટામાં ન હોવાનું જણાયું હતું. ઍરલાઈન્સે ઈશ્યુ કરેલી ટિકિટના લિસ્ટમાં બન્ને પ્રવાસીનાં નામ ન હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. તપાસમાં એ ટિકિટ બનાવટી હોવાનું જણાયું હતું. બન્નેને સહાર પોલીસને સોંપાયા હતા.
પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તેમની બહેન સુનેસરા મારિયા રશીદ દોહા (કતાર) જઈ રહી હતી. તે પહેલી વાર ફ્લાઈટમાં જઈ રહી હતી અને સામાન પણ ઘણો હોવાથી તેને કોઈ મુશ્કેલી ન પડે તે માટે બન્ને ભાઈ ઍરપોર્ટ આવ્યા હતા. બન્ને વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420, 465, 468, 471 અને 34 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.