આમચી મુંબઈ

મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: અકાસા એરલાઇનના વિમાનને કાર્ગો ટ્રકે ટક્કર મારી

મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અકાસા એરલાઈનનું Air B737 MAX વિમાનને કાર્ગો ટ્રકે ટક્કર મારી હતી. દુર્ઘટના બાદ તરત જ એરલાઈન તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે વિમાન ઊભું હતું તે સમયે જ થર્ડ પાર્ટી ગ્રાઉન્ડ હેન્ડલર દ્વારા ચલાવવામાં આવનારા માલવાહક ટ્રક તેની સાથે અથડાયું હતું, દુર્ઘટના બાદ ટીમ વિમાનની ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.

થર્ડ પાર્ટી કાર્ગો દ્વારા ટક્કર

મળતી વિગતો અનુસાર મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અકાસા એરલાઈનનું Air B737 MAX વિમાન કાર્ગો ટ્રક સાથે અથડાયું હતું. અકાસા એરલાઈન્સના પ્રવક્તાએ આ ઘટનાની માહિતી આપતાં જણાવ્યું હતું કે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થર્ડ પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલો એક કાર્ગો શિપ અમારા વિમાન સાથે અથડાયુ છે. વિમાનની હાલમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે. અમે થર્ડ પાર્ટી ગ્રાઉન્ડ હેન્ડલર સાથે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર વિચિત્ર ઘટના: ફ્લાઈટ પકડવા પ્રવાસીએ રન-વે પર દોડ મૂકી….

એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ જાહેર

ટક્કર થયા બાદ તરત જ તપાસ કરતા જાણવા મળ્યું કે, વિમાન ઉડાન ભરવા માટે યોગ્ય નથી. તેને તકનીકી રીતે એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ (AOG) જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ અકાસા એરલાઈન્સે ઉડાન માટે એક નવું વિમાન (VT-VBB) પૂરું પાડ્યું હતું, જે બેવ V17R પર પાર્ક હતું. મુસાફરોને ગેટ-29 થી બસ દ્વારા નવા વિમાનમાં બોર્ડિંગ કરાવવામાં આવ્યા હતાં. સૌથી મોટી રાહતની વાત એ છે કે આ અકસ્માત વખતે વિમાન ચાલુ નહોતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

એરસાઈડ સેફ્ટી મુદ્દે ગંભીર પ્રશ્ન

ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ભલે કોઈ ગંભીર દુર્ઘટનામાં પરિણમી નથી, પરંતુ આ ઘટનાથી એરપોર્ટ પરની એરસાઈડ સેફ્ટી અંગે પ્રશ્નો ચોક્કસ ઉભા થયા છે. અકાસા એર અને એરપોર્ટ પ્રશાસને સમયસર વૈકલ્પિક વ્યવસ્થા કરીને ઉડાનને સુરક્ષિત રીતે રવાના કરી હતી. આ મામલે વધુ તપાસ આદરી દેવામાં આવી  છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button