મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાનની પાંખો અથડાઈ, મુસાફરોનો આબાદ બચાવ…

મુંબઈ: દેશના સૌથી વ્યસ્ત ગણાતા મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ગંભીર ક્ષતિ સામે આવી છે, જેમાં બે મોટા વિમાનો રનવે પર એકબીજા સાથે ટકરાયા હતા. એર ઇન્ડિયા અને ઇન્ડિગોની ફ્લાઈટ વચ્ચે થયેલી આ ટક્કરને કારણે એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી. જે સમયે આ ઘટના બની, તે સમયે બંને વિમાનોમાં મુસાફરો સવાર હતા. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી, પરંતુ એરપોર્ટ મેનેજમેન્ટ અને સુરક્ષા પ્રોટોકોલ સામે અનેક સવાલો ઉભા થયા છે.
ટેક્સી-વે પર કઈ રીતે સર્જાયો અકસ્માત?
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એર ઇન્ડિયાની ફ્લાઈટ AI 2732 મુંબઈથી કોઈમ્બતુર જવા માટે ટેક્સી-વે પર ટેક-ઓફની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન હૈદરાબાદથી મુંબઈ ઉતરાણ કરી ચૂકેલી ઇન્ડિગોની ફ્લાઈટ 6E 791 ત્યાંથી પસાર થઈ રહી હતી. આ ગતિવિધિ દરમિયાન બંને વિમાનોની પાંખો (Wings) એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. ટક્કર થતાની સાથે જ બંને વિમાનોને સ્થળ પર રોકી દેવામાં આવ્યા હતા અને એરપોર્ટના ટેકનિકલ સ્ટાફને જાણ કરવામાં આવી હતી.
આ દુર્ઘટના બાદ બંને એરલાઇન્સ કંપનીઓએ નિવેદન જાહેર કર્યા છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, વિમાનને ટેકનિકલ તપાસ માટે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે અને મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ, ઇન્ડિગોએ પણ પુષ્ટિ કરી છે કે લેન્ડિંગ પછી પાર્કિંગ તરફ જતી વખતે આ અકસ્માત થયો હતો. બંને કંપનીઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે તેમના માટે મુસાફરોની સુરક્ષા સર્વોપરી છે અને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
મુંબઈ એરપોર્ટ જેવા હાઈ-ટેક સુરક્ષા ધરાવતા સ્થળે બે વિમાનો એકબીજાની આટલી નજીક કેવી રીતે આવી ગયા, તે હવે તપાસનો વિષય છે. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ની સૂચનાઓમાં ખામી હતી કે પાયલોટની સમજવામાં ભૂલ, તે અંગે ઉડ્ડયન નિયમનકારી સંસ્થા DGCA દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રનવે પર થયેલી આ અથડામણ જો વધુ જોરદાર હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. હાલમાં બંને વિમાનોને સેવામાંથી હટાવીને રિપેરિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે.



