ભારતીય વાયુસેનાએ મુંબઇમાં યોજેલા એર શોનો નજારો માણો
મુંબઇઃ ભારતીય વાયુસેનાએ આઉટરીચ કાર્યક્રમના ભાગરૂપે 12થી 14 જાન્યુઆરી દરમિયાન મુંબઇમાં એર-શો પ્રદર્શનનું આયોજન કર્યું છે. આ શોમાં વાયુસેનાના જવાનો આકાશમાં એર શો કરતા જોવા મળ્યા હતા. ભારતીય વાયુસેના દ્વારા એરિયલ ડિસપ્લેનું આયોજન લોકોમાં જાગૃતિ લાવવા અને ભારતીય વાયુસેના અને સ્થઆનિક સમુદાય વચ્ચેના સંબંધોને વધારવા માટે કરવામાં આવે છે. મુંબઇના આ ત્રણ દિવસીય પ્રદર્શનમાં ભારતીય વાયુસેનાના કર્મચારીઓ અને એરક્રાફ્ટ અને તેમના એરોબેટિક્સને દર્શાવે છે. એર શોમાં વાયુસેનાના કૌશલ્ય, ક્ષમતાઓ અને તેના વ્યવસાયીકરણને પણ દર્શાવવામાં આવી રહ્યું છે.
આ એર-શો પહેલા ભારતીય વાયુસેનાએ આગલા દિવસે શોનું રિહર્સલ પણ કર્યું હતું. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એર-શોનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે અને તેમના કૌશલ્ય અને ચોકસાઇને બિરદાવી હતી.
આ એર-શોને જોવા માટે અનેક મુંબઇગરાઓ મરીન ડ્રાઇવ પહોંચી ગયા હતા અને તેમણે ભારતીય વાયુસેનાના આકાશમાં વિવિધ કરતબોના રિહર્સલ પણ નિહાળ્યા હતા. ડૉ. રાહુલ બક્ષી નામના સોશિયલ મીડિયા યુઝર્સે એક્સ પર વિવિધ કરતબોના વીડિયો પોસ્ટ કર્યા છે, જે ખરેખર માણવા જેવા છે.
ભારતીય એર ફોર્સના હવાઇ પરાક્રમોમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમના પ્રદર્શન દર્શાવવામાં આવી રહ્યા છે. આ ટીમ સામાન્ય રીતે નવ હૉક Mk-132 એરક્રાફ્ટ પર વિવિધ કરતબો દર્શાવે છે. આ ઉપરાંત ભારતીય એરફોર્સની સારંગ ટીમ પણ આમાં ભાગ લઇ રહી છે જે ચાર સંશોધિત HAL ધ્રુવ હેલિકોપ્ટર (એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર) ઉડાવે છે. સારંગ વિશ્વની એકમાત્ર હેલિકોપ્ટર ડિસપ્લે ટીમ છે. તેણે એરફોર્સ ડે 2023માં પ્રથમ વખત પાંચ એરક્રાફ્ટનું સંચાલન કર્યું હતું. મુંબઇનો એર-શો મરીન ડ્રાઇવ ખાતે યોજાયો હોવાથી શહેર ટ્રાફિક પોલીસે દક્ષિણ મુંબઇમાં માર્ગ પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ પ્રતિબંધો 13 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યાથી બીજા દિવસે સાંજે 5 વાગ્યા સુધી લાગુ રહેશે.