મુંબઈમાં હવાની ગુણવત્તા નબળી: પાલિકા આવી ગઈ હરકતમાં, સૌથી મોટો લીધો નિર્ણય
મુંબઇઃ રાજધાની દિલ્હી બાદ મુંબઇમાં પણ હવાની ગુણવત્તાના આંકડા ખાસ્સા ચિંતાજનક છે. મુંબઇનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ઘણો વધી ગયો છે, જેને કારણે BMC પણ હરકતમાં આવી ગઇ છે. BMCએ મુંબઇગરાઓ દ્વારા શ્વાસમાં લેવામાં આવતી હવાને શુદ્ધ કરવા માટે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણાં પગલાં લીધા છે. હવે BMC મુંબઇની હવાની ગુણવત્તા દર્શાવતી મોબાઇલ એપ લોન્ચ કરવા માટે તૈયાર છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ( BMC) નાગરિકોને વધુ સારી સેવા પ્રદાન કરવા માટે ઈ-ગવર્નન્સ પહેલ અપનાવવામાં હંમેશા મોખરે રહ્યું છે. આ જ ક્રમમાં હવે હવાની ગુણવત્તા દર્શાવતી મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી રહી છે.
હવાની ગુણવત્તા સુધારવા માટે બીએમસીએ શું કરવું જોઇએ એની સૂચિ પ્રકાશિત કરી છે અને નિર્માણ કંપનીઓને એનું પાલન કરવા જણાવ્યું હતું. બીએમસીએ અત્યાર સુધીમાં એક હજાર કંસ્ટ્રક્શન સાઇટને ચેતવણીનું એલર્ટ મોકલ્યું છે.
બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું કે નિયમોનું ઉલ્લંઘન કરવાવાળઆઓને બીએમસીએ નોટિસ મોકલી છે. નવેમ્બરના અંત સુધીમાં કે ડિસેમ્બરની શરૂઆત સુધીમાં તમામ નિયમો લાગુ કરી દેવામાં આવશે.
ચહલે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે આ એપમાં AQIને લગતી તમામ માહિતી હોવી જરૂરી છે. દા. ત. પ્રદૂષણ ફેલાવતી કેટલી સાઇટને નોટિસ ફટકારવામાં આવી, કેટલી કંન્સ્ટ્રક્શન સાઇટને કામ બંધ કરવાની નોટિસ મોકલવામાં આવી, કયા રસ્તાઓ સાફ કરવામાં આવ્યા, કેટલા બિલ્ડિંગોનું બાંધકામ અટકેલું છે કે ચાલી રહ્યું છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ ( AQI)અને ડેટા વગેરે અનેક બાબતોની માહિતી એપ પર મૂકવામાં આવશે. ચહલે જણાવ્યું હતું કે મુંબઇને પ્રદૂષણ મુક્ત રાખવાની કોશિશ જારી રહેશે અને એ માટે આ એપ મદદગાર સાબિત થશે.