આમચી મુંબઈ

મુંબઈમાં હવાની ગુણવત્તા ફરી કથળી: એક્યુઆઈ ૨૦૦ને પાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ફરી વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધી જતા વિઝિબિલિટી ઘટી ગઈ હોવાનું જણાઈ રહ્યું છે. સોમવારે મોડી સાંજે મુંબઈમાં સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) ૨૦૪ જેટલો ઊંચો જોખમી સ્તરે નોંધાયો હતો ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીના મહિનામાં નૈસર્ગિક હવામાનની સ્થિતિ અનુસાર પ્રદૂષણના પ્રમાણમાં વટઘટ હોવાની સ્પષ્ટતા કરી હતી. એ સાથે જ પ્રશાસને મુંબઈમાં વાયુ અને ધૂળના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ઓક્ટોબર ૨૦૨૪ની સાલમાં અમલમાં મૂકવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તેના પર વોર્ડ સ્તરે નજર રાખવા બનાવેલી વિજિલન્સ ટીમના રિપોર્ટને આધારે પ્રદૂષણ માટે જવાબદાર લોકોને નોટિસ આપવાનું કામ ચાલી રહ્યું હોવાનો દાવો કર્યો હતો.

મુંબઈમાં ગયા અઠવાડિયે કમોસમી વરસાદ પડી ગયા બાદ વાતાવરણમાં પ્રદૂષણમાં થોડો ઘટાડો થયો હતો. જોકે ત્રણ-ચાર દિવસથી ફરી મુંબઈમાં પ્રદૂષણનું સ્તર વધી ગયું હોવાનું જણાઈ આવ્યું છે. મુંબઈમાં મોડી સાંજે સરેરાશ ૨૦૪ એક્યુઆઈ નોંધાયો હતો. તો બાન્દ્રામાં ૧૯૬, બાન્દ્રા પૂર્વમાં ૧૯૯, બીકેસીમાં ૧૯૨, બોરીવલી પૂર્વમાં ૧૮૭, બોરીવલી પશ્ર્ચિમમાં ૧૯૨, ચારકોપમાં ૧૯૬, ચેમ્બુરમાં ૨૦૬, છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ ઍરપોર્ટવિસ્તાર ૨૦૨, કોલાબામાં ૧૮૮, દેવનાર ૨૦૩, કુર્લામાં ૨૦૦, મલાડ પશ્ર્ચિમમાં ૨૦૩, મઝગાંવમાં ૨૦૫, એક્યુઆઈ નોંધાયો હતો.

મુંબઈમાં સામાન્ય રીતે શિયાળાની મોસમમાં ઓછા તાપમાન અને પવનની ધીમી ગતિને કારણે પ્રદૂષણના કણો વાતાવરણમાં ઉપર જવાને બદલે નીચે હવામાં જ તરતા હોય છે અને તેને કારણે પ્રદૂષણનું પ્રમાણ વધી જતું હોય છે. મુંબઈમાં પ્રદૂષણનું પ્રમાણ વધવા માટે ઔદ્યોગિક ઉત્સર્જન, ક્ધસ્ટ્રકશન સાઈટ પર નિર્માણ થનારી ધૂળ, રસ્તા પરની ધૂળ, કારખાનામાં થતું ઉત્સર્જન, કચરો બાળવો, કારખાના અને વાહનવ્યહારને કારણે નીકળતા ધુમાડાને કારણે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે.

પ્રશાસને ૧૫ ઓક્ટોબર, ૨૦૨૪ના ૨૮ મુદ્દા સાથેની પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા ગાઈડલાઈન બહાર પાડી હતી, તેમાં ક્ધસ્ટ્રકશન સાઈટ માટે અનેક સૂચનો આપ્યા હતા. આ સૂચનોનું પાલન થાય છે કે નહીં તેના પર નજર રાખવા માટે પ્રશાસન દ્વારા વોર્ડ સ્તરે વિજિલન્સ ટીમની પણ સ્થાપના કરવામાં આવી હતી.

ગાઈડલાઈનને અમલમાં મૂકવામાં નિષ્ફળ જનારી ક્ધસ્ટ્રકશન સાઈટને ઈન્ટીમેશન લેટર આપ્યા બાદક કારણ-દર્શાવો નોટિસ અને એ બાદ સ્ટોપ વર્કની નોટસિ આપવામાં આવે છે. તે મુજબ પહેલી ડિસેમ્બર, ૨૦૨૫થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં ૫૫૭ બાંધકામને સ્ટોપ વર્કની નોટિસ આપવામાં આવી છે. તો જે વિસ્તારમાં એક્યુઆઈ ૨૦૦ની ઉપર નોંધાય છે તે સંબંધિત વિસ્તારમાં ‘ગ્રેપ-ફોર’ અંતર્ગત બંધકામ રોકવા અને દરેક ક્ધસ્ટ્રકશન સાઈટ પર લો-કોસ્ટર સેન્સર બેસાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તે મુજબ અત્યાર સુધી ૧,૦૮૦ સાઈટ પર આ મશીન બેસાડવામાં આવ્યા છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button