પવઈમાં ઍર ઈન્ડિયાના નિવૃત્ત કર્મચારીએ કરી પત્નીની હત્યા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પવઈમાં ઍર ઈન્ડિયાના નિવૃત્ત કર્મચારીએ કરી પત્નીની હત્યા

મોબાઈલ અને કારની ચાવી ઘટનાસ્થળે જ ભૂલી જતાં પોલીસ આરોપી સુધી પહોંચી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ઍર ઈન્ડિયાના નિવૃત્ત કર્મચારીએ છેલ્લાં 28 વર્ષથી અલગ રહેતી પત્નીની તકિયાની મદદથી ગૂંગળાવીને કથિત હત્યા કરી હોવાની ઘટના પવઈમાં બની હતી. જોકે હત્યા બાદ મોબાઈલ ફોન અને કારની ચાવી ઘટનાસ્થળે જ ભૂલી ગયેલા સિનિયર સિટિઝન આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો.

ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ રાજીવ ચંદ્રકાંત લાલા (60) તરીકે થઈ હતી. રાજીવે અંધેરી-કુર્લા રોડ પર પવઈ નજીક રહેતી પત્ની શાલિની દેવીની શનિવારની રાતે હત્યા કરી હોવાનું પોલીસનું કહેવું છે.

પવઈ પોલીસના જણાવ્યા મુજબ રાજીવ અને શાલિનીનાં લગ્ન 1995માં થયાં હતાં, પરંતુ દંપતી વચ્ચે ઘરેલું મુદ્દે વારંવાર ઝઘડા થતા હોવાથી 1997થી જ પત્ની શાલિની અલગ રહેવા જતી રહી હતી.

આ પણ વાંચો: ઘરકંકાસનો કરુણ અંજામ: મેટ્રીમોનિયલ સાઇટ પરથી મળેલા પતિએ પત્નીની હત્યા કરી લાશ ફેંકી!

અમુક દસ્તાવેજો લેવાને બહાને રાજીવ શનિવારની રાતે શાલિનીના પવઈ સ્થિત નિવાસસ્થાને આવ્યો હતો. તે સમયે કોઈ વાતે દંપતી વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. બોલાચાલી દરમિયાન રોષમાં આવી રાજીવે તકિયાથી ગૂંગળાવીને શાલિનીની હત્યા કરી હોવાનું કહેવાય છે.

મધરાત બાદ દોઢ વાગ્યાની આસપાસ રાજીવ શાલિનીના ઘરેથી નીકળ્યો ત્યારે મોબાઈલ ફોન અને કારની ચાવી ત્યાં જ ભૂલી ગયો હતો. બે વાગ્યાની આસપાસ પડોશીઓએ શાલિનીના ઘરનો દરવાજો ખુલ્લો જોયો હતો. ઘરમાં તપાસ કરતાં શાલિની અચેતન અવસ્થામાં મળી આવી હતી. પડોશીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. શાલિનીને હૉસ્પિટલમાં લઈ જવામાં આવતાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

પડોશીઓએ પોલીસને જાણ કરી હતી કે મધરાતે દંપતી વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. ઘટનાસ્થળ નજીકના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપી ઘટનાસ્થળે હાજર હોવાની ખાતરી થઈ હતી. મોબાઈલ ફોન અને કારની ચાવીને આધારે રાજીવને તાબામાં લેવાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં ગુનો કબૂલતાં તેની ધરપકડ કરાઈ હતી.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button