વિલેપાર્લેના જ્વેલર્સની 70 લાખની રોકડ લૂંટી ચાર લૂંટારા કારમાં ફરાર...

વિલેપાર્લેના જ્વેલર્સની 70 લાખની રોકડ લૂંટી ચાર લૂંટારા કારમાં ફરાર…

અમદાવાદથી રોકડ લઈને આવી રહેલા ડ્રાઈવરની કારને દહાણુ નજીક રોકી: ડ્રાઈવર સહિત બેનાં અપહરણ કરી મનોર પાસે છોડ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: વિલેપાર્લેના જ્વેલર્સની 70 લાખની રોકડ લઈને અમદાવાદથી કારમાં આવી રહેલા ડ્રાઈવરને મુંબઈ-અમદાવાદ હાઈવે પર દહાણુ નજીક આંતરીને લૂંટ ચલાવવામાં આવી હતી. બે કારમાં આવેલા ચાર લૂંટારાએ ડ્રાઈવર સહિત બેનાં અપહરણ કરી મનોર નજીક છોડ્યા હોવાનું પોલીસનું કહેવું છે.

કાસા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અવિનાશ માંદળેએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની મધરાતે દોઢ વાગ્યાની આસપાસ બની હતી. આ પ્રકરણે ગુજરાતના મહેસાણા જિલ્લામાં સનસિટી બંગલોઝ ખાતે રહેતા મનીષકુમાર ગોઠવાલે (41) નોંધાવેલી ફરિયાદને આધારે ચાર અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે સીસીટીવી કૅમેરા ન હોવાથી આરોપીઓની ઓળખ તાત્કાલિક થઈ શકી નથી, એમ તેમણે જણાવ્યું હતું.

પોલીસ ફરિયાદ અનુસાર વિલેપાર્લેના જ્વેલર્સે સોમવારની સાંજે ડ્રાઈવર ગોઠવાલને તેમની કાર લઈને મુંબઈ પહોંચવાનું કહ્યું હતું. કારમાં ડ્રાઈવરની સીટ, બાજુની સીટ અને ડિકીમાં મળીને 70 લાખ રૂપિયા રાખવામાં આવ્યા હતા. આ રોકડ મુંબઈ પહોંચતી કરવાની હતી.

મુંબઈ નીકળતાં પૂર્વે ગોઠવાલે તેના મિત્ર અક્ષય પટેલને કારમાં સાથે લીધો હતો. મધરાતે દોઢ વાગ્યાની આસપાસ કાર દહાણુ નજીકના ઘોળ ગામ પાસેના સૂર્યા નદીના પુલ નજીક પહોંચી ત્યારે સામેથી વિરુદ્ધ દિશામાંથી આવેલી બે કારે તેને આંતરી હતી. બન્ને કારમાંથી ઊતરેલા ચાર શખસે લોખંડના સળિયા અને બામ્બુથી ગોઠવાલની કારના કાચ તોડ્યા હતા. બાદમાં કારમાંથી ગોઠવાલ અને પટેલને નીચે ઉતારી બૂમાબૂમ કરી તો જાનથી મારવાની ધમકી આપી હતી.

ફરિયાદમાં જણાવાયું હતું કે ગોઠવાલ અને પટેલની આંખ પર પટ્ટી બાંધી દેવામાં આવી હતી. બન્નેના હાથ પણ કાપડની મદદથી બાંધવામાં આવ્યા હતા. પછી આરોપી બન્નેને પોતાની કારમાં લઈ ગયા હતા. લગભગ બે કલાક ફેરવ્યા પછી સાવરખંડ ખાતેના મનોર-વિક્રમગડ રોડ પર બન્નેને છોડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

ગોઠવાલ અને પટેલ ચાલતા એક હોટેલમાં પહોંચ્યા હતા. ત્યાંના કર્મચારીની મદદથી મળસકે પાંચ વાગ્યે પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. બન્નેને કાસા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા ત્યારે ગોઠવાલની ત્યાં નજરે પડી હતી. પૂછપરછમાં કાર સોમટા ગામ નજીક હાઈવેના ડિવાઈડર સાથે ભટકાયેલી સ્થિતિમાં મળી આવી હોવાનું પોલીસે કહ્યું હતું. ગોઠવાલે કારમાં તપાસ કરતાં રોકડ અને તેમના બન્ને મોબાઈલ ફોન ગુમ હોવાનું જણાયું હતું. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button