આમચી મુંબઈ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અટકવાનું કારણ શું, કોણ છે ‘વિલન’?

મુંબઈઃ ભારત સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારતની પહેલી બુલેટ ટ્રેન યોજના અટકી શકે છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મુશ્કેલીઓ આવી છે અને આનું કારણ ચીન છે. સમસ્યા એ છે કે ત્રણ વિશાળ ટનલ-બિલ્ડિંગ મશીનો ચીનમાં ફસાયેલા છે. આ મશીનો જર્મન કંપની Herrenknecht પાસેથી મંગાવવામાં આવ્યા છે. પરંતુ તેનું ઉત્પાદન ચીનના ગ્વાન્ગઝુ (Guangzhou) શહેરમાં થાય છે. બે મશીનો ઓક્ટોબર 2024 સુધીમાં ભારતમાં આવવાના હતા. એક મશીન પહેલા આવવાનું હતું. પરંતુ ચીની અધિકારીઓએ તેમને રોકી દીધા છે અને તેના માટે કોઈ કારણ પણ જણાવ્યું નથી.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મશીનો અટવાઈ જવાના કારણે રાજદ્વારી ચિંતાઓ વધી ગઈ છે. રેલવે મંત્રાલયે વિદેશ મંત્રાલય સાથે વાત કરી છે. રાજદ્વારી ચેનલો દ્વારા મશીનો છોડાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાના અહેવાલ છે. આ મશીનો સાથે કેટલીક અન્ય મહત્વપૂર્ણ સામગ્રી/વસ્તુઓ પણ અટવાઈ છે. આ વસ્તુઓ અન્ય માળખાકીય પ્રોજેક્ટ્સ માટે પણ જરૂરી છે.

હાલના તબક્કે ટનલ નિર્માણનું બાંધકામ અટક્યું

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) આ મશીનોનો ઉપયોગ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) અને સાંવલી (ઘનસોલી) વચ્ચે ટનલ બનાવવા માટે કરવાની હતી. જો મશીનો આવવામાં મોડું થશે, તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ટનલના બાંધકામ પણ વિલંબ થઈ શકે છે. ખાસ કરીને બીકેસીથી શિલફાટા સુધીનો 21 કિમીનો રસ્તો તેમ જ થાણે ખાડી નીચે 7 કિલોમીટરની ટનલનો પણ સમાવેશ થાય છે. NHSRCLના અધિકારીઓ આ અંગે કંઈ કહેવા તૈયાર નથી, પરંતુ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હજુ પણ એ જ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં દેખાશે બુલેટ ટ્રેનની ઝડપ! બુલેટ ટ્રેનની શરૂઆતને લઈને આપી મહત્વની અપડેટ

મશીનો ઓક્ટોબર 2024 સુધીમાં આવવાના હતા

NHSRCL રૂ. 1.08 લાખ કરોડના આ સમગ્ર પ્રોજેક્ટ પર ધ્યાન રાખી રહ્યું છે. NHSRCLએ ત્રણ TBM મશીનોનો ઓર્ડર આપ્યો હતો. TBM-1 અને TBM-2 સાંવલી (ઘનસોલી)થી વિક્રોલી અને વિક્રોલીથી BKC વચ્ચે ટનલ બનાવશે. TBM-3 વિક્રોલીથી સાંવલી વચ્ચે ટનલ બનાવશે. પહેલા બે મશીનો ઓક્ટોબર 2024 માં આવવાના હતા. TBM-3 આ વર્ષની શરૂઆતમાં આવવાનું હતું.

ગલવાન ખીણ અથડામણ પછી વિવાદ વકર્યો

જૂન 2020માં ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારથી, ભારતે ચીનથી આવતા રોકાણો પર નજીકથી નજર રાખવાનું શરૂ કર્યું છે. આના કારણે ચીન સંબંધિત ઘણા કરારો અને માલસામાનમાં વિલંબ થયો છે. કેટલાક રદ પણ કરવામાં આવ્યા છે. તે વર્ષે, MMRDAએ મુંબઈ મોનોરેલ પ્રોજેક્ટ માટે બે ચીની કંપનીઓના ટેન્ડર રદ કર્યા હતા.

મેટ્રો, કોસ્ટલ રોડ માટે ટીબીએમ ચીનથી આવ્યા હતા

મહારાષ્ટ્ર સરકારે પણ ચીની કંપનીઓ સાથે રૂ. 5,000 કરોડથી વધુના ત્રણ એમઓયુ મુલતવી રાખ્યા હતા. જોકે, ગલવાન ખીણ અથડામણ પહેલા મુંબઈ મેટ્રો અને કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે પણ ચીનથી TBM મશીનો આવ્યા હતા. થાણે-બોરીવલી ટનલ પ્રોજેક્ટ માટેનું TBM મશીન તમિલનાડુના અલિનજીવાક્કમ પ્લાન્ટમાં બનાવવામાં આવ્યું હતું. આ ટનલ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થશે.

આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુદ્દે રેલવે મંત્રીએ આપ્યું આ મોટું અપડેટ…

TBM મશીનની વિશેષતાઓ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ટીબીએમ મશીનો સામાન્ય મશીનો નથી. આ મશીનોમાંથી એક ભારતમાં વપરાતું સૌથી મોટું મશીન છે. તેનું કટર હેડ 13.56 મીટર છે. જ્યારે મેટ્રોના ટીબીએમ મશીનોનો વ્યાસ 6.45 થી 6.68 મીટર હોય છે. મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં વપરાયેલ ‘માવલા’ ટીબીએમ મશીન પણ 12.19 મીટર હતું.

વિવિધ પ્રકારની માટી ખોદવામાં નિષ્ણાત

આ મશીન મિક્સશીલ્ડ કોન્ફીગ્રેશનવાળુ છે. આનાથી તે વિવિધ પ્રકારની માટીમાં સરળતાથી કામ કરી શકે છે. એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ આ મશીનનો ઉપયોગ બીકેસી સ્ટેશનથી શિલ્ફાટા સુધી 20.377 કિમી લાંબી ટનલ બનાવવા માટે કરશે. આ ટનલમાં થાણે ખાડી નીચેનો 7 કિમીનો પટ પણ સામેલ છે.

એફકોન્સને જૂન 2023 માં 6,397 કરોડ રૂપિયામાં આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તે 5 વર્ષમાં પૂર્ણ કરવાનો છે. કંપની BKC (36 મીટર ઊંડી), વિક્રોલી (56 મીટર) અને સાંવલી (39 મીટર) ખાતે ત્રણ વર્ટિકલ શાફ્ટ બનાવી રહી છે. આ શાફ્ટનો ઉપયોગ TBM મશીનોને લોન્ચ કરવા અને પુનઃપ્રાપ્ત કરવા માટે કરવામાં આવશે. ઘનસોલી (42 મીટર) ખાતે એક ઢળેલું શાફ્ટ અને શિલ્ફાટા ખાતે એક ટનલ પોર્ટલ પણ બનાવવામાં આવી રહ્યું છે.

આ NATM (ન્યૂ ઑસ્ટ્રિયન ટનલિંગ મેથડ) 5 કિલોમીટરની ટનલ બનાવવામાં મદદ કરશે. એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના અધિકારીઓએ આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. આ બાબતથી વાકેફ અધિકારીઓના કહેવા મુજબ NHSRCL, Herrenknecht, એફકોન્સ અને સંબંધિત મંત્રાલયો સાથે મળીને આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી મશીનો શક્ય તેટલી વહેલી તકે છોડાવી શકાય અને પ્રોજેક્ટમાં વિલંબ ન થાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button