‘ગુડલક’ તરીકે પાંચ લાખ રૂપિયા માગવા જતાં ડેપ્યુટી કમિશનર એસીબીની જાળમાં સપડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કરિયાણાના વેપારી પાસેથી ‘ગુડલક’ તરીકે પાંચ લાખ રૂપિયા અને પછી મહિને દોઢ લાખની લાંચ માગનારા રાજ્ય સરકારના ડેપ્યુટી કમિશનર (સપ્લાય) એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)ની જાળમાં સપડાયા હતા. એસીબીએ ડેપ્યુટી કમિશનર સહિત તેમનાં ખાનગી કામકાજ માટે નિયુક્ત બે શખસની ધરપકડ કરી હતી.
એસીબીના જણાવ્યા મુજબ સીબીડી બેલાપુરના કોંકણ વિભાગના ડેપ્યુટી કમિશનર (સપ્લાય) અનિલ સુધાકર ટાકસાળે (55) સાથે સાઈ પ્રતીમ માધવ અમીન (42) અને રાજા ગણેશ થેવર (52) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ભિવંડીની ટ્રેડિંગ કંપનીના માલિકે આ મામલે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. ચોખાના હોલસેલના વેપારી એવા ફરિયાદીના વ્યવસાયમાં બે ભાગીદાર છે. 30 ડિસેમ્બર, 2025ના રોજ ડેપ્યુટી કમિશનર ટાકસાળે તેમની ટીમ સાથે ફરિયાદીના ગોદામમાં તપાસ કરી હતી. ગોદામમાં ચોખાનો ગેરકાયદે સ્ટૉક મળી આવતાં ફરિયાદી અને તેમના બન્ને ભાગીદાર વિરુદ્ધ ભિવંડી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : વડોદરામાં પીઆઈ ના નામે રૂ. 2.50 લાખની લાંચ લેતા વેપારીને અમદાવાદ એસીબીએ ઝડપ્યો
આ ગુનાની સુનાવણી દરમિયાન મદદ અને ફરિયાદીના ઘઉં-ચોખાનો વ્યવસાય વિનાવિઘ્ન ચાલુ રહે તે માટે ફરિયાદી પાસેથી લાંચ માગવામાં આવી હતી. એ સિવાય ભવિષ્યમાં ફરિયાદી અને તેના ભાગીદારો વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા માટે ટાકસાળે તેમનાં ખાનગી કામકાજ માટે રાખેલી વ્યક્તિ સાઈ અમીન મારફત રકમ માગી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
ડેપ્યુટી કમિશનરને ગુડલક તરીકે પહેલાં પાંચ લાખ રૂપિયા અને પછી હપ્તા તરીકે દર મહિને દોઢ લાખ રૂપિયા ચૂકવવાનું ફરિયાદીને કહેવામાં આવ્યું હતું. ફરિયાદીને લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબી દ્વારા ફરિયાદની ખાતરી કરી છટકું ગોઠવવામાં આવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ સીબીડી બેલાપુરની લક્ષ્મી હોટેલ બહાર સોમવારે ફરિયાદીને બોલાવવામાં આવ્યો હતો. ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકાર્યા બાદ રાજા થેવર અને સાઈ અમીનને તાબામાં લેવાયા હતા. તેમની પ્રાથમિક પૂછપરછ પછી કોંકણ વિભાગની ઑફિસમાંથી ડેપ્યુટી કમિશનરને તાબામાં લેવાયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.



