આમચી મુંબઈ

મુંબઈની એસી લોકલમાં ‘આ’ લોકોના ત્રાસઃ રોજના 200થી વધુ લોકો સામે કાર્યવાહી

મુંબઈ: પશ્ચિમ રેલવેમાં એસી લોકલને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ટિકિટ તથા પાસધારકો ખુદાબક્ષ પ્રવાસીઓની ભીડને કારણે કંટાળી ગયા છે. છેલ્લા આઠ મહિનામાં સૌથી વધુ ખુદાબક્ષ ઓગસ્ટ મહિનામાં મળી આવ્યા હોઇ હાલમાં રોજ ૨૧૦થી વધુ પ્રવાસી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટિકિટ વિના મુસાફરી કરનારા ખુદાબક્ષો એસી લોકલના પ્રવાસીઓ માટે જ નહીં, પરંતુ રેલવે પ્રશાસન માટે માથાનો દુખાવો બન્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ઓગસ્ટમાં 23,000થી વધુ લોકો દંડાયા
જાન્યુઆરીથી ઓગસ્ટ ૨૦૨૪માં દરમિયાન કુલ ૨૩,૨૧૧ પ્રવાસી સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમાંથી દોષી પ્રવાસીઓ પાસેથી કુલ રૂ. ૭૬,૪૨,૬૮૯નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ ટિકિટ વગરના પ્રવાસી પકડાયા હતા. પેહલીથી ૧૭મી ઓગસ્ટ દરમિયાન રોજ સરેરાશ ૨૧૦ પ્રવાસી સામે કાર્યવાહી કરવામાં આવી છે.

તહેવારોના પાંચ દિવસ વિશેષ કાર્યવાહી
ઓગસ્ટમાં ૧૫થી ૧૯ એમ સળંગ રજાઓ હતી. આ સિવાય રક્ષાબંધન, પતેતી, જન્માષ્ટમી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને ટ્રેનમાં ભીડને નિયંત્રણમાં રાખવા માટે વિશેષ ટિકિટ ચેકિંગની ઝુંબેશ હાથ ધરાઇ હતી. સ્ટેશનો પર, રેલવે બ્રિજ પર અને ટ્રેનમાં પણ ટિકિટ તપાસવામાં આવી હતી. ઓગસ્ટ મહિનો પૂરો થવા અગાઉ જ ખુદાબક્ષોની સંખ્યા પાંચ હજાર પર પહોંચી ગઇ હતી અને હવે આંકડો ૬,૦૦૦ પર પહોંચવાની શક્યતા છે. આ વર્ષે માર્ચમાં સૌથી ઓછા પ્રવાસીઓ સામે કાર્યવાહી થઇ છે. માર્ચમાં ૩,૬૦૬ ખુદાબક્ષ પાસેથી રૂ. ૧૨,૧૨,૨૨૫ દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : એસી લોકલમાં ટીસીનું સરપ્રાઈઝ ચેકિંગઃ બે દિવસમાં આટલા ખુદાબક્ષ પકડાયા

પ્રવાસીઓની ફરિયાદો વધી
મધ્ય રેલવેની સરખામણીમાં પશ્ચિમ રેલવેમાં વધુ એસી લોકલ દોડે છે ત્યારે પશ્ચિમ રેલવેમાં જ એસી લોકલમાં ખુદાબક્ષોની ભીડ થઇ રહી છે. આ વધી રહેલી ભીડ પર નિયંત્રણ મૂકવા માટે પ્રવાસીઓ દ્વારા રેલવે પ્રશાસન સામે ફરિયાદ કરાઇ રહી છે
એસી લોકલમાં ખુદાબક્ષોના ત્રાસ તો છે, પરંતુ સૌથી વધુ હાલાકી તો તેમના કકળાટની હોય છે. એસી લોકલમાં ક્યારેક ગર્દુલા ચઢી જાય તો ક્યારેક વિના ટિકિટ ભિખારીઓ પણ ચઢી જાય છે. તેમને ક્યારેક કોઈ પ્રવાસી ઉતરવાનું કહે તો મુશ્કેલીનું નિર્માણ થાય છે ક્યારેક વિવાદ થાય છે, પરંતુ એમનો કોઈ ઉકેલ લાવી શક્યું નથી, એમ બોરીવલીના એક પ્રવાસીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button