મુલુંડના યુવકનો ૨૪ કલાકે મૃતદેહ હાથ લાગ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે અને કલવા વચ્ચે આવેલી ખાડીમાં ગુરુવારે બપોરના પડી ગયેલા મુલુંડના ૧૯ વર્ષના યુવકનો મૃતદેહ છેક ૨૪ કલાક બાદ ખાડીમાંથી માછીમારોને હાથ લાગ્યો હતો. પોસ્ટમાર્ટમ બાદ તેના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો.
થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી યાસીન તડવીએ જણાવ્યું હતું કે ગુરુવારે બપોરના એક વાગ્યાની આસપાસ કલવાના ઘોલાઈ નગરમાં રહેતો ૧૯ વર્ષનો આકાશ શર્મા મુલુંડથી કલવા ટ્રેનમાં આવતા સમયે ટ્રેનમાં દરવાજા પાસે ઊભો હતો ત્યારે બેલેન્સ ચૂકી જતા ચાલતી ટ્રેનમાંથી વિટાવા ખાડીમાં પડી ગયો હતો. ગુરુવાર બપોરથી તેની શોધખોળ ચાલી રહી હતી તે છેક ૨૪ કલાકની ભારે જહેમત બાદ શુક્રવારે બપોરના ૧૨.૩૦ વાગ્યાની આસપાસ તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો.
આ પણ વાંચો: કન્સ્ટ્રકશન સાઈટ નજીકથી સગીરાનોમૃતદેહ મળ્યો: પોલીસને હત્યાની શંકા…
ગુરુવાર બપોરથી ફાયરબ્રિગેડ, પોલીસ સહિત ડિઝાસ્ટર કંટ્રોલે સ્થાનિક માછીમારોની મદદથી ખાડીમાં આકાશનો મૃતદેહ શોધવાનું કામ હાથ ધર્યું હતું. ગુરુવારે અંધારુ થયા બાદ તેને શોધવાનું બંધ કરવામાં આવ્યા બાદ શુક્રવાર વહેલી સવારના ચાર વાગ્યાથી સવારના ૭.૩૦ વાગ્યા સુધી તેને ફરી શોધવાનું કામ હાથ ધરવામાં આવ્યુ હતું. તે છેક બપોરના ૧૨.૩૦ વાગે સ્થાનિક માછીમાર પ્રથમેશ ખારકર અને જીતુ ખારકર તથા સુરેશ વિટાવકરને ખાડીમાંથી આકાશનો મૃતદેહ હાથ લાગ્યો હતો. જે બાદમાં રેલવે પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોસ્ટ માર્ટમ બાદ તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.