શું થવા બેઠું છે આ જનરેશનનુંઃ સગીર છોકરીએ ડેટિંગ માટે દબાણ કરતાં છોકરાએ 32 માળની ઈમારતની ટેરેસ પરથી તેને ધક્કો માર્યો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાંડુપની પૉશ સોસાયટી મહિન્દ્રા સ્પ્લેન્ડરના 32મા માળની બિલ્ડિંગની અગાશી પરથી સગીરાએ કૂદકો માર્યાની ઘટનાની તપાસમાં પોલીસને મળેલી ચોંકાવનારી માહિતીને પગલે સપ્તાહ બાદ સગીરાના મિત્ર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
છોકરી ડેટિંગ માટે દબાણ કરતી હોવાથી સગીર મિત્રએ તેને 32મા માળની ટેરેસ પરથી ધક્કો મારી દીધો હતો અને શંકાની સોય પોતાની તરફ ન તકાય તેની પૂરતી તકેદારી લીધી હતી, પરંતુ છોકરાની વાર્તામાં રહેલાં છીંડાં પર ધ્યાન કેન્દ્રિત કરી પોલીસની ચતુરાઈપૂર્વકની તપાસે રહસ્ય પરથી પડદો ઊંચક્યો હતો. આ ઘટના વડીલોને વિચારતા કરી મૂકે છે કે શું થવા બેઠું છે આ જનરેશનનું!
મુલુંડમાં રહેતી 15 વર્ષની છોકરી 24 જૂનની સાંજે 7.45 વાગ્યાની આસપાસ ભાંડુપની મહિન્દ્રા સ્પ્લેન્ડરની ડી વિંગમાંથી જમીન પર પટકાઈને મૃત્યુ પામી હતી. છોકરી સોસાયટીની એ વિંગમાં રહેતા 16 વર્ષના છોકરાને મળવા આવી હતી. શરૂઆતની પૂછપરછમાં છોકરાએ પોલીસને નિવેદન આપ્યું હતું કે છોકરી તેની મિત્ર હતી અને ભણતરને કારણે તે હતાશ હતી. વર્ગના વિદ્યાર્થીઓ ચીડવતા હોવાથી તે નારાજ હતી.
ઘટનાની સાંજે બન્ને વાતચીત કરવા ડી વિંગમાં લિફ્ટથી 32મા માળે ગયાં હતાં. ત્યાંથી દાદર ઊતરીને 30મા માળે આવ્યા પછી એકાએક છોકરીએ બારીમાંથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી, એવું છોકરાએ અગાઉ જણાવ્યું હતું. આ પ્રકરણે પોલીસે એડીઆર નોંધી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન શંકા ઉપજાવનારી કેટલીક બાબતો પોલીસ ઈન્સ્પેક્ટર વિનાયક જાધવની નજરમાં આવી હતી, જેના પરથી છોકરીએ આત્મહત્યા કરી હોવાની ખોટી વાર્તા છોકરાએ ઘડી કાઢી હોવાનું પોલીસને લાગ્યું હતું. વળી, સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને સાક્ષીઓનાં નિવેદનને આધારે પોલીસને છોકરાની સંડોવણીની ખાતરી થઈ હતી. પરિણામે ભાંડુપ પોલીસે સોમવારની રાતે છોકરા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.
તપાસમાં જણાયું હતું કે છોકરીએ સોસાયટીમાં પ્રવેશતી વખતે રજિસ્ટરમાં પોતાનું ખોટું નામ નોંધ્યું હતું અને સાથે મોબાઈલ નંબર છોકરાનો નોંધ્યો હતો. બાદમાં બન્ને જણ છોકરાના ઘરે જવાને બદલે ડી વિંગના 32મા માળે ગયાં હતાં. નીચે ઊતરતી વખતે છોકરો 32મા માળને બદલે 30મા માળથી લિફ્ટમાં પ્રવેશ્યો હતો.
છોકરીનો મોબાઈલ ઘટનાસ્થળેથી ખાસ્સે દૂર ઈ વિંગ પાસેથી મળી આવ્યો હતો. છોકરાએ ઘટનાની સાંજે સોસાયટીના જિમમાં રાખવામાં આવેલા રજિસ્ટરમાં તેના નામ પર છેકછાક કરી હતી. એ સિવાય બન્ને વચ્ચે થયેલા ઝઘડાનો અવાજ 30મા માળે રહેતી મહિલાએ સાંભળ્યો હતો, પરંતુ મહિલા ફ્લૅટની બહાર નીકળી ત્યારે છોકરો એકલો લિફ્ટ પાસે ઊભો હતો. આવી અનેક બાબતોની સ્પષ્ટતા તપાસમાં થઈ હતી.
આખરે છોકરાએ કબૂલ્યું હતું કે છોકરીએ ઈન્સ્ટાગ્રામ પર તેને પ્રપોઝ કર્યું હતું. તેણે માત્ર ફ્રેન્ડશિપ રાખવાનું કહ્યું હતું, પણ છોકરી ડેટિંગ માટે દબાણ કરતી હતી. ઘટનાની સાંજે તે વાતચીત કરવા છોકરીને અગાશી પરની પાણીની ટાંકી પર લઈ ગયો હતો. ત્યાં ડેટિંગને મુદ્દે વિવાદ થતાં છોકરીએ છોકરાને ધક્કો માર્યો હતો. આ વાતનો ગુસ્સો આવતાં છોકરાએ જોરથી ધક્કો મારતાં છોકરી બિલ્ડિંગ પરથી નીચે પડી ગઈ હતી.
આપણ વાંચો : ટ્રેનમાં વિદ્યાર્થિનીના હાથમાં 15 દિવસનું બાળક પકડાવી મહિલા છૂ