હત્યાના કેસમાં ફરાર આરોપી 17 વર્ષે એન્ટોપ હિલમાં પકડાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુલુંડમાં નશીલા પદાર્થની લેવડદેવડમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે 17 વર્ષે એન્ટોપ હિલમાંથી પકડી પાડ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-4ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ દુર્ગેશ ઉર્ફે છોટુ અવદેશ ગૌડા તરીકે થઈ હતી. વધુ કાર્યવાહી માટે આરોપીને મુલુંડ પોલીસ સ્ટેશનના તાબામાં સોંપાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ હત્યાની ઘટના ઑક્ટોબર, 2008માં બની હતી. નશીલા પદાર્થની લેવડદેવડમાં મૃતક રાજેશ સોની લખવાણી (31) સાથે આરોપીઓનો વિવાદ થયો હતો. આ વિવાદમાં મુલુંડ પશ્ચિમમાં પાઈપ લાઈન નજીક ડાંગરપાડામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રાજેશની હત્યા કરવામાં આવી હતી.
આ પ્રકરણે હત્યાનો ગુનો નોંધી મુલુંડ પોલીસે તે સમયે બે આરોપી અરુણ અન્નપા કુંચીકોર ક્ધના ઉર્ફે રાજા દેવેન્દ્ર અને સની ઉર્ફે અજિંક્ય જાનકીદાર કબાડેની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીના બે સાથીને ફરાર જાહેર કરાયા હતા.પોલીસે આ કેસમાં મુલુંડ કોર્ટમાં આરોપનામું પણ દાખલ કર્યું હતું, જેમાં આરોપી ગૌડાને વૉન્ટેડ આરોપી દર્શાવાયો હતો. હત્યા કેસનો આરોપી ગૌડા એન્ટોપ હિલના રાવળી કૅમ્પમાં નજરે પડ્યો હોવાની માહિતી તાજેતરમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને મળી હતી. માહિતીને આધારે પોલીસે શનિવારે છટકું ગોઠવી ગૌડાને પકડી પાડ્યો હતો.



