આમચી મુંબઈ

મુંબઈ-કેરળમાં પંદરથી વધુ સ્થળે ઇડીની રેઇડ:

અભિનેતા ડિનો મોરિયાનું નિવાસસ્થાન સહિત કોન્ટ્રેક્ટરોનાં રહેઠાણ-ઓફિસનો સમાવેશ

મુંબઈ: મીઠી નદીમાંથી ગાળ કાઢવાના 65.54 કરોડ રૂપિયાના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) આજે મુંબઈ અને કેરળમાં પંદરથી વધુ સ્થળે રેઇડ પાડી હતી, જેમાં બોલીવુડના એક્ટર ડિનો મોરિયાના બાંદ્રાના નિવાસસ્થાનનો સમાવેશ હતો.

મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ગયા મહિને દાખલ કરેલા એફઆઇઆરમાં આરોપી તરીકે જેમના નામ આપવામાં આવ્યાં હતાં, એ પાલિકાના અધિકારીઓ, કોન્ટ્રેક્ટરો, વચેટિયાના રહેઠાણો તથા ઓફિસ સહિત પંદરથી વધુ સ્થળે ઇડીએ રેઇડ પાડી હતી. શિવસેના (યુબીટી)ના આદિત્ય ઠાકરેના નજીકના મિત્ર ડિનો મોરિયાના બાંદ્રા પશ્ર્ચિમના નિવાસે પણ સર્ચ હાથ ધરવામાં આવી હતી.

આર્થિક ગુના શાખાની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઇટી) ડિનો મોરિયાને ગયા મહિને બે વખત પૂછપરછ માટે બોલાવ્યો હતો. મુંબઈ ઉપરાંત કેરળમાં પણ સર્ચ હાથ ધરવામાં આવી હતી, કારણ ડિસ્ટિલિંગ મશીન પૂરી પાડતી કંપનીઓમાંની એક મેટપ્રોપ ટેક્નિકલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કોચીમાં સ્થિત છે.

મહાપાલિકાને 65.54 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન પહોંચાડવા બદલ આર્થિક ગુના શાખાએ 13 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનાને આધારે ઇડીએ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ (ઇસીઆઇઆર) દાખલ કરીને મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો -‏‏‎ લાંચના કેસમાં સીબીઆઈએ નેવીના જુનિયર એન્જિનિયરની ધરપકડ કરી…

એફઆઇઆરમાં આરોપી તરીકે પાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રશાંત રામુગડે, ડેપ્યુટી ચીફ એન્જિનિયર ગણેશ બેન્દ્રે અને પ્રશાંત તાયશેટ્ટી સહિત મેટપ્રોપ કંપનીના દીપક મોહન, કિશોર મેનન, મે. વિરગો સ્પેશ્યાલિટીસ પ્રા. લિ.ના જય જોશી, વ્હોડર ઇન્ડિયા એલએલપીના કેતન કદમ અને કોન્ટ્રેક્ટર ભૂપેન્દ્ર પુરોહિતના નામ અપાયાં હતાં.

પ્રારંભિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે નદીમાંથી ગાળ કાઢવાના કરાર સંબંધિત વિવિધ નાણાકીય ગેરરીતિઓ 2021-22 અને 2022-23 વચ્ચે કરવામાં આવી હતી. બાદમાં પોલીસને જાણવા મળ્યું હતું કે કોન્ટ્રેક્ટરોએ નવ નકલી એમઓયુ રજૂ કર્યા હતા.

એફઆઇઆરમાં જણાવાયું છે કે પાલિકાના અધિકારીઓએ ડિસિલ્ટિંગ કોન્ટ્રેક્ટ માટે ટેન્ડર એવી રીતે તૈયાર કર્યું હતું કે તેનાથી કામ માટે જરૂરી મશીનરીના ચોક્કસ સપ્લાયરને ફાયદો થયો. વધુમાં કોન્ટ્રેક્ટરોએ ગાળને મુંબઈ બહાર લઇ જવા માટે બોગસ બિલ બનાવ્યા હતા. તપાસ અનુસાર મેટપ્રોપના દીપક મોહન અને કિશોર મેનને પાલિકાને 3.09 કરોડ રૂપિયાના ખર્ચે સિલ્ટ પુશર અને મલ્ટિપર્પસ એમ્ફિબિયસ પેટૂન મશીનો ઓફર કર્યાં.

દરમિયાન આર્થિક ગુના શાખાએ આ કેસમાં વચેટિયા જય જોશી અને કેતન કદમની ધરપકડ કરી હતી. કેતન કદમ પાસેથી જપ્ત કરાયેલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં પાલિકાના વરસાદી પાણીનાં નિકાલ વિભાગના અધિકારીઓની પોસ્ટિંગના આદેશની નકલ તેમ જ ટેન્ડર સંબંધી ઓરિજિનલ રેકોર્ડની ફોટોકોપી અને અન્ય દસ્તાવેજો મળી આવ્યાં હતાં. કદમને અભિનેતા ડિનો મોરિયા અને તેનો ભાઇ પચીસ વર્ષથી ઓળખતા હતા અને કદમે કરેલા કેટલાક વ્યવહારો શંકાસ્પદ જણાયા બાદ મોરિયાને સમન્સ પાઠવાયા હતા.

મશીનરી સપ્લાય કરનાર વચેટિયાને જામીન મળ્યા
મીઠી નદીમાંથી ગાળ કાઢવાના કૌભાંડમાં ધરપકડ કરાયેલા વચેટિયા જય જોશીને સેશન્સ કોર્ટે ગુરુવારે જામીન આપ્યા હતા. એડિશનલ સેશન્સ જજે એક લાખના પર્સનલ બોન્ડ પર જય જોશીની જામીન અરજી મંજૂર કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન અરજી ફગાવી દીધા બાદ જોશીએ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.

જોશીના વકીલોએ કોર્ટને જણાવ્યું હતું કે તેમનો અસીલ આ કૌભાંડ સાથે જોડાયેલો નથી, કારણ કે તેનો પાલિકા સાથે કોઇ સીધો સંબંધ નથી. વકીલોએ દલીલ કરી હતી કે તેમનો અસીલ મશીન સપ્લાયર હતો અને તેણે નેધરલેન્ડથી મશીન આયાત કરી હતી. તેણે માર્ચ-એપ્રિલ, 2019માં આ મશીનો ખરીદવા માટે આઠ કરોડથી વધુ રૂપિયા ચૂકવ્યા હતા. બાદમાં તેણે કોન્ટ્રેક્ટરોને લીઝ પર આપ્યાં હતાં. બીજી તરફ ફરિયાદ પક્ષે જામીન અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે તપાસ તેના પ્રારંભિક તબક્કામાં છે અને દસ્તાવેજી પુરાવા એકઠા કરવાનું કામ ચાલુ છે. દરમિયાન બંને પક્ષને સાંભળ્યા બાદ કોર્ટે જોશીના જામીન મંજૂર કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button