Coldplay Concert માટે આટલો ક્રેઝ! ફેન્સ નવી મુંબઈમાં હોટેલ રૂમ માટે લાખો ચૂકવી રહ્યા છે
મુંબઈ: બ્રિટીશ બેન્ડ કોલ્ડપ્લેનો જાન્યુઆરી 2025માં મુંબઈમાં યોજાનાર કોન્સર્ટ (Coldplay Concert in Mumabi) હાલ દેશભરના યુવાનોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, કોલ્ડપ્લેના કોન્સર્ટ માટે યુવાનોમાં અભૂતપૂર્વ ક્રેઝ જોવા મળી રહ્યો છે. બ્લેક માર્કેટમાં કોન્સર્ટની ટિકિટ લાખો રૂપિયામાં વેચાઈ રહી છે. એવામાં નવી મુંબઈમાં કોન્સર્ટના સ્થળની આજુબાજુના વિસ્તારની તામામ હોટેલ્સના ભાડામાં આચાનક તોતિંગ વધારો નોંધાયો છે.
અહેવાલ મુજબ, કોલ્ડપ્લેનો કોન્સર્ટ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ(DY Patil Stadium)માં યોજાવાનો છે. સ્ટેડિયમના આજુબાજુના 20 કિલોમીટરના વિસ્તારની અંદરની હોટેલોમાં ત્રણ રાત માટે ₹5 લાખ સુધીનો ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે, આ વધારો ન્યુયર ઇવનિંગ દરમિયાન થતા વધારા કરતાં પણ વધારે છે.
નવી મુંબઈમાં ડીવાય પાટીલ સ્પોર્ટ્સ સ્ટેડિયમની આજુબાજુમાં આવેલી ફાઈવ-સ્ટાર હોટેલ્સ સહિતની મોટાભાગની હોટેલોમાં 18 જાન્યુઆરી, 19 જાન્યુઆરી અને 21 જાન્યુઆરી માટે બુકિંગ ફૂલ થઇ ગયું છે.
એક અહેવાલ મુજબ, મેકમાયટ્રિપ અનુસાર, સ્ટેડીયમની નજીકની કોર્ટયાર્ડ બાય મેરિયોટ અને વાશીની તાજ વિવંતામાં કોઈ રૂમ ઉપલબ્ધ નથી.
BookMyShow પર કોન્સર્ટની ટિકિટ થોડી જ મિનિટોમાં વેચાઈ ગઈ હતી. ધસારો જોતા કોલ્ડપ્લેએ 21મી જાન્યુઆરીએ ત્રીજા શોની જાહેરાત કરી હતી.
એક મીડિયા અહેવાલ મુજબ ITC હોટેલ ગ્રૂપની વાશીમાં આવેલી ફોર્ચ્યુન સિલેક્ટ એક્ઝોટિકા હોટેલ 17 થી 20 જાન્યુઆરીની વચ્ચે ત્રણ લોકો માટેના એક રૂમ માટે ₹2.45 લાખ ચાર્જ કરી રહી છે. મેકમાયટ્રિપના જણાવ્યા અનુસાર, વાશીની અન્ય એક હોટેલ તુંગા બાય રેજેન્ઝા કોન્સર્ટ દરમિયાન ત્રણ રાત માટે ₹4.45 લાખ ચાર્જ કરી રહી છે.
સામાન્ય રીતે, વર્ષના અંતમાં અને તેના થોડા દિવસો પછી હોટલના દરોનો વધારો થતો હોય છે.