સેફ્ટી ફર્સ્ટઃ ચાલતી બસમાં ડ્રાઇવરને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં રહેશે પ્રતિબંધ…

મુંબઇ: ધ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) દ્વારા અકસ્માત રોકવાની સાથે પ્રવાસીઓની સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. MSRTC દ્વારા હાલમાં જ એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે જેમાં બસ ડ્રાઇવર પર બસ ચલાવતી વખતે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો આ નિયમનો ભંગ કરતાં કોઇ પકડાય તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
જો નિયમનો ભંગ થાય તો ડ્રાઇવર સસ્પેન્ડ પણ થઇ શકે છે. એસટી બસમાં ડ્રાઇવર પર બસ ચલાવતી વખતે મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયનો તમામ લોકો સ્વાગત કરી રહ્યાં છે. પબ્લિક ટ્રાન્સપોર્ટના માધ્યમથી સુરક્ષિત પ્રવાસ થાય છે એવો વિશ્વાસ વધારવા માટે આવા ઉપાયો કરવા આવશ્યક છે એમ એક્સપર્ટ્સનું માનવું છે.
મુંબઇ મહાનગર વિસ્તારમાં દોડતી તમામ સરકારી બસ, ખાનગી બસ, સ્કૂલ બસ, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સે આવા ઉપાયો કરવા જરુરી છે. ડ્રાઇવરે બસમાં ચઢ્યા બાદ પોતાનો ફોન કન્ડક્ટરને આપવાનો રહેશે જે બસમાં કન્ડક્ટર નથી તેમાં ફોન પોતાનાથી દૂર રાખવો પડશે એ વાતનો આ સર્ક્યુલરમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
મુંબઇમાં બસ દ્વારા મુસાફરી કરનારાઓની સંખ્યા ઘણી મોટી છે. અહીં બેસ્ટ, થાણે પાલિકાની ટીએમટી, મિરા-ભાઇંદરની એમબીએમટી અને વસઇ-વિરાર પરિવહન સેવાના માધ્યમથી બસ દોડાવવામાં આવે છે. MSRTC ના અધિકારીનું કહેવું છે કે બસ ચલાવતી વખતે ફોન પર વાત કરવી, બ્લ્યુટૂથથી ગીતો સાંભળવા કે પછી વિડીયો જોવા એક બહુ જોખમી સાબિત થઇ શકે છે. આ બસમાં 40થી વધુ મુસાફરો મુસાફરી કરતાં હોય છે, અને તેમની સુરક્ષાની જવાબદારી ડ્રાઇવરના હાથમાં હોય છે તેથી આ નિયમનો અમલ કરવામાં આવનાર છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમને વારંવાર મુસાફરો પાસેથી ફરિયાદ આવતી હોય છે કે બસ ડ્રાઇવર બસ ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરે છે. ઘણાં મુસાફરોએ તો આ અંગે સોશિયર મીડિયા પર પોસ્ટ પર કરી છે. તેથી MSRTC દ્વારા આ નિર્ણય લેવાયો છે.