કાંદિવલી પૂર્વ – ગોરેગામ પૂર્વને જોડતા માર્ગ પ્રોજેક્ટના શ્રી ગણેશ
મુંબઈ: મલાડ (પૂર્વ)માં પી. નોર્થ વોર્ડ સ્થિત 500 મીટર માર્ગને પહોળો કરવાના કામ સાથે કાંદિવલી લોખંડવાલાથી ગોરેગામ પૂર્વ સુધીના વિસ્તારને જોડતા પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો પ્રારંભ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો.
2.1 કિલોમીટર લાંબી સડક કાંદિવલી પૂર્વના લોખંડવાલા સંકુલને ગોરેગામ પૂર્વ સ્થિત વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સુધી જોડવાની યોજના છે. આને કારણે જીએમએલઆર તરીકે ઓળખાતા ગોરેગામ મુલુન્ડ લિંક રોડની પૂર્વના ઉપનગર સુધીની કનેક્ટિવિટીનું વિસ્તરણ થશે. આ ખૂબ મહત્વનો પ્રોજેક્ટ ગણાય છે.
પાલિકા અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર નવી કનેક્ટિવિટીને કારણે પુલ અને કોન્ક્રીટ પદ્ધતિએ તૈયાર કરેલા 120 ફૂટ પહોળા રસ્તા ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટનાં કારણે 1376 બાંધકામને અસર પહોંચશે, જેમાંથી 71 વન્ય વિસ્તારમાં છે અને બાકીના પાલિકાની જમીન ઉપર છે. આશરે 860 મીટર સડક વન વિસ્તારમાંથી પસાર થાય છે.
સોમવારે કરવામાં આવેલા તોડકામમાં પાલિકાએ 168 બાંધકામ તોડી પાડ્યા હતા, જેથી મલાડ પૂર્વમાં હાલની 30 ફૂટ પહોળી સડકની પહોળાઈ વધીને 120 ફૂટની થઈ છે. 107 બાંધકામનું પુનર્વસન કરવામાં આવશે.